મોરબીમાં વ્યાજખોરો બેફામ: 15 લાખના 18 ચૂકવ્યા છતાં 10 લાખની માગણી કરી ધમકી
મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીએ પાડોશી વેપારી પાસેથી વ્યાજ વસુલાતમાં હદ કરી નાખી હતી. જેમાં તેણે કટકે કટકે 15 લાખ વ્યાજે લઈ 6થી 30 ટકા વ્યાજ સહિત 18.52 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોર વેપારીએ વધારાના 10 લાખ માંગી જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના નવા ડેલા રોડ ઉપર ટ્રેડિંગ પેઢી ધરાવતા અને સત્યમ પાન વાળી શેરીમાં રહેતા મિથુનભાઈ મોહનભાઇ કંધનાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વેપારી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.10 મે 2023થી તા.17 ફેબ્રુઆરી 2025 સુધીમાં તેમને ધંધાના કામે નાણાંની જરૂૂર પડતા ચિરાગભાઈ પાસેથી દૈનિક રૂૂ. 5-5 લાખ 3 વખત અલગ અલગ વ્યાજે લીધા હતા જેમાં પ્રથમ વખત દૈનિક 5000 વ્યાજે, બીજી વખત દૈનિક 2300 વ્યાજ લેખે અને ત્રીજી વખત મહિને 5 લાખનું દોઢ લાખ ચૂકવવાની શરતે લઈ સાક્ષીઓની હાજરીમાં 15 લાખના વ્યાજ સહિત કુલ 18,52,800 ચૂકવી દીધા હતા. વ્યાજખોરને વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં અન્ય વેપારીઓની હાજરીમાં સમાધાન માટે ભેગા થતા આરોપી ચિરાગભાઈએ વધારાના 10 લાખ ચૂકવવા પડશે તેમ કહી મારી નાખવા ધમકી આપતા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.