ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ભાજપમાંથી મુખ્યમંત્રી-પાટીલ-માંડવિયા-રૂપાલા-નીતિન પટેલ અને કોંગ્રેસમાંથી શક્તિસિંહ-અમિત ચાવડા-જગદીશ ઠાકોર-ધાનાણી સહિતના નેતાઓ મેદાને
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ 18 ફેબ્રુઆરીએ જાહેર થનાર છે. ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત પૂરી થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.
ભાજપના સ્ટાર પ્રચારકોમાં ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી), સી.આર.પાટિલ (કેન્દ્રીય જળસંશાધન મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ), નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂૂપાલા, રત્નાકરજી, ગોરધન ઝડફિયા, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજેશ મેરજા, શબ્દશરણ તડવી, બળવંતસિંહ રાજપુત, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દિપિકાબેન સરડવા,સીમાબેન મોહીલે, ઉદયભાઇ કાનગડ, લવિંગજી ઠાકોરનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક- મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ,શૈલેષ પરમાર, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી, રામકિશન ઓઝા, ઉષા નાયડુ, સુહાસિની યાદવ, ભૂપેન્દ્ર મારવી, લાલજી દેસાઇ, અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,ગ્યાસુદીન શેખ, તુષાર ચૌધરી, પુંજાભાઇ વંશનો સમાવેશ થાય છે.
નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી ટિકિટ મુદ્દે ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષમાં અસંતોષનો ચરૂૂ ઉકળ્યો છે. જૂથવાદ એટલી હદે ચરમસિમાએ પહોંચ્યો છેકે, ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. આ રાજકીય માહોલ વચ્ચે પણ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 215 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જોકે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેચાવ્યા હતા પરિણામે આ બિનહરીફ બેઠકો મળી છે.