રાજકોટમાં 756 ‘ગાંઠિયા દાદા’ઓનું લિસ્ટ તૈયાર, પોખણાંની તૈયારી
મિલકત સંબંધી હુમલા, પ્રોહિબિશન-ખંડણીના ગુનામાં સંડોવાયેલા તત્ત્વો ઉપર તુટી પડવા પોલીસ તૈયાર, સાંજથી જ ‘સફાઈ’ ઝુંબેશ, CP કચેરીએ મોટા ઓપરેશનની તૈયારી
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક તત્વો પર કડક કાર્યવાહી કરવા અને તેની પર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્યપોલીસ વડા વિકાસ સહાયએ તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને પ્રેસ કોન્ફરન્સ મારફતે 100 કલાકમાં અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની સુચના આપી હતી. આ અસામાજીક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે પણ તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
વારંવાર શરીર સબંધીત ગુના આચરતા આરોપીઓ તેમજ મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ શખ્સોનું દારૂ અને જુગારમાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરી તેમના પર પાસા અને તડીપાર કરવા કાર્યવાહી કરવા સુચના આપી હતી.
રાજકોટમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ શહેરના કુલ 756 જેટલા ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગુનેગારોમાં 221 મિલ્કત સબંધીત ગુનાઓ આરોપીઓ, શરીર સબંધીત ગુના આચરતા 36 આરોપીઓ, ધાક-ધમકી અને ખંડણીના ગુનાઓ આચરતા 11 આરોપીઓ દારૂના ગુના સાથે સંકડાયેલા નામચીન 301 બુટલેગર, જુગાર સાથે સંકડાયેલા 57 આરોપી અને અવાર નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા 130 આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝાના માર્ગદર્શન તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના સુપરવીઝન હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ અને મહત્વની બ્રાંચ દ્વારા સંવેદનશીલ વિસ્તારો જેવા કે, ભગવતીપરા, જંગલેશ્ર્વર, રૂખડિયાપરા, રૈયાધાર, પોપટપરા અને મોરબી રોડ પર કોમ્બીંગ અને પેટ્રોલીંગ કરી લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આજે સાંજથી જ તૈયાર કરાયેલા લીસ્ટ મુજબ કુખ્યાત ગુનેગારો તેમજ અવાર નવાર ગુના આચરતા શખ્સોના ઘરે પહોંચી તેમના ઘરનું વીજ જોડાણ કાપવાની તૈયારી કરવામાં આવશે. તેમજ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી કુખ્યાત ગુનેગારો દ્વારા ખડકાયેલા ગેરકાયદે બાધકામો તોડી પાડવામાં આવશે. આ તકે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે, કુખ્યાત ગુનેગારો અને વારંવાર ગુનાઓ આચરતા શખ્સો સામે પાસા દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાંચે જાહેર કરેલા નંબરમાં 24 કલાકમાં 50 મેસેજ કોલ આવ્યા
દુકાન કે રહેઠાણ સ્થળો પર મોડી રાત સુધી પડ્યા પાથર્યા રહેતા આવારા તત્વો સામે અને વિસ્તારોમાં અવાર નવાર નિર્દોષ વ્યક્તિ સાથે માથાકુટ કરી હેરાનગતિ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા ગઈકાલે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા ક્રાઈમ બ્રાંચના એકવોટ્સએપ નંબર 6359629896 જાહેર કરવામાં આવ્યા હતાં. આ નંબર પર ભય ફેલાવનાર અને લુખ્ખાગીરી કરનાર શખ્સ વિરુદ્દ ફરિયાદ કરવા લોકોને જણાવવામાં આવ્યું હતું. તેમજ ફરિયાદ કરનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તેમજ ઈનામ પણ આપવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ નંબર જાહેર થયાના 24 કલાકમાં 50 જેટલા કોલ અને મેસેજ આવ્યા હતાં. તેવુ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.