પોલીસ કમિશનર કચેરી પાસે દારૂ ભરેલી રિક્ષા પલટી
પોલીસે પીછો કરતાં ભાગી રહેલ રિક્ષાચાલકે બેલેન્સ ગુમાવ્યું ભીલવાસના બુટલેગરનું નામ ખુલ્યું
શહેરમાં પોલીસના કહેવાતા ચેકીંગ વચ્ચે આજે બપોરે ધોળા દિવસે પોલીસ કમિશ્નર કચેરી પાસે એક દારૂ ભરેલી રીક્ષા પલ્ટી મારી જતાં દોડધામ મચી ગઈ હતી. પ્ર.નગર પોલીસ આ રીક્ષા ચાલક અને દારૂ તેમજ રીક્ષા સાથે તેને પોલીસ સ્ટેશને લાવી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પીછો કરતી હોય જેથી બચવા માટે રીક્ષા ચાલકે પુરપાટ ઝડપે રીક્ષા ભગાવતાં રીક્ષા પલ્ટી મારી ગઈ હોવાનું પોલીસ જણાવી રહી છે. જો કે આ બાબતે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ કોઈ માહિતી આપી નથી.
તપાસમાં ભીલવાસના નામચીન બુટલેગરનું નામ હાલ સામે આવી રહ્યું છે. રીક્ષામાં ડ્રાઈવરની સીટ નીચે ચોર ખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર કચેરીથી 500 મીટર દૂર ચોકમાં રીક્ષા નં.જજે.03.બીએકસ 405 પુરપાટ ઝડપે આવતી હોય આ રીક્ષા અચાનક જ પલ્ટી મારી ગઈ હતી અને રીક્ષામાં ભરેલી દારૂની બોટલો રોડ ઉપર વિખેરાઈ ગઈ હતી.
આ મામલે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રીક્ષા ચાલકને દારૂ ભરેલી રીક્ષા સહિત પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. આ મામલે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝણકાટ અને તેમની ટીમે મીડિયાને જણાવ્યું કે પોલીસ આ દારૂ ભરેલી રીક્ષાનો પીછો કરતી હતી ત્યારે પોલીસથી બચવા રીક્ષા ચાલકે રીક્ષા ભગાવી હતી અને ફુલછાબ ચોકમાં આ રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. હાલ પોલીસે રીક્ષા ચાલકની પુછપરછ કરી આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યો ? અને કોને સપ્લાય કરવાનો હતો ?
તે મામલે તપાસ કરી રહી છે. રીક્ષાના ડ્રાઈવર સીટના ચોર ખાનું બનાવી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પુછપરછમાં ભીલવાસના નામચીન બુટલેગર મુન્નાનું નામ ખુલ્યું છે. જો કે આ મામલે પોલીસ ગુનો નોંધી વિશેષ તપાસ ચલાવી રહી છે.