બિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટ
આ કાયદાને લીધે પોલીસ તંત્રને ફાયદો થાય છે જ્યારે ગરીબો પર કેસ થાય છે એવું હાઇકોર્ટનું અવલોકન
પટના હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ જારી કરાયેલ ડિમોશન ઓર્ડરને રદ કરતી વખતે બિહારના દારૂૂ પ્રતિબંધ કાયદા પર ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે પ્રતિબંધ કાયદો બિહારમાં દારૂૂ અને અન્ય ગેરકાયદે સામાનની દાણચોરીને પ્રોત્સાહન આપી રહ્યો છે. કોર્ટે કહ્યું કે બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ એક્ટ, 2016 રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના જીવનધોરણ અને જાહેર આરોગ્યને સુધારવાના ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદો ઘણા કારણોસર ઇતિહાસની ખોટી દિશામાં ગયો છે. એક અખબારના અહેવાલ મુજબ 29 ઓક્ટોબરે જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે ચુકાદો સંભળાવ્યો હતો અને 13 નવેમ્બરે હાઈકોર્ટની વેબસાઈટ પર ચુકાદો અપલોડ કરવામાં આવ્યો હતો. કોર્ટનો આ નિર્ણય મુકેશ કુમાર પાસવાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યો છે.
જસ્ટિસ સિંહે તેમના ચુકાદામાં કહ્યું, પોલીસ, આબકારી, રાજ્ય વ્યાપારી કર અને પરિવહન વિભાગના અધિકારીઓ આ પ્રતિબંધને આવકારે છે કારણ કે તે તેમના માટે આવકનો સ્ત્રોત છે. દારૂૂની દાણચોરીમાં સામેલ મોટી વ્યક્તિઓ અથવા સિન્ડિકેટ સંચાલકો સામે બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવે છે. દારૂૂ પીનારા કે નકલી દારૂૂનો ભોગ બનેલા ગરીબો સામે કેસ નોંધાય છે આ કાયદો મુખ્યત્વે રાજ્યના ગરીબ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.જસ્ટિસ સિંહે વધુમાં કહ્યું, પ્રતિબંધ કાયદાની કડક શરતો પોલીસ માટે એક અનુકૂળ સાધન બની ગઈ છે. પોલીસ ઘણીવાર દાણચોરો સાથે મળીને કામ કરે છે. કાયદાથી બચવા માટે નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે.