સારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધું
ઈન્દ્રોડા પાર્કમાં સિંહણ સ્વાતિના બે બચ્ચાનું ગર્ભમાં જ મોત નિપજ્યુ હતું. ગત શનિવારે સિંહણને પ્રસુતિની પીડા ઉપડતા તેણે બે મૃત બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહણની નાની ઉંમરના કારણે બચ્ચાનો ગર્ભમાં યોગ્ય રીતે વિકાસ થયો નહતો. બે મૃત બચ્ચાને જન્મ આપ્યા બાદ સિંહણ સ્વાતિને વધુ પડતો રક્તસ્ત્રાવ થયો હતો.
ઈન્દ્રોડા પાર્કના પશુ ડોક્ટર ડો.અનિકેત સહિતની ટીમે સિંહણ સ્વાતિને સારવાર માટે હિંમતનગર પશુ દવાખાને લઈ ગયા હતા. જ્યાં સિંહણ સ્વાતિને બેભાન કરીને સારવાર શરૂૂ કરાઈ હતી.
સારવાર ચાલુ હતી ત્યાં જ સિંહણ અચાનક ભાનમાં આવી હતી. પ્રારંભમાં તેણે પગ હલાવ્યા હતા. જેથી ડોક્ટર સાવચેત થઈ ગયા હતા. સિંહણ ભાનમાં આવી હોવાનું જણાતા જ તેઓએ સિંહણને ઘેનનું ઇન્જેક્શન આપવાનો વધુ એક વખત પ્રયાસ કર્યો હતો. પરંતુ સિંહણ અચાનક ઉભી થઈ ઈન્જેક્શન આપવા જતા ડો. અનિકેતનો હાથે બટકું ભર્યુ હતું. ડો.અનિકેતે હિંમત કરીને પોતાનો હાથ સિંહણના જડબામાંથી છોડાવી લીધો હતો. ત્યારબાદ સિંહણ કાબૂમાં આવી હતી. ડોક્ટરે પોતાની ઈજાની પરવા કર્યા વગર પ્રથમ સિંહણની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર કરી હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાની સારવાર કરાવી હતી. તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.