સાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણે બે યુવકો પર હુમલો કર્યો છે. ઘટના દરમિયાન માલધારી યુવકો પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે 20 વર્ષીય ઓમગિરિ ઈશ્વરગીરી ગૌસ્વામી પર સિંહણે પાછળથી હુમલો કર્યો હતો. તેમની મદદે આવેલા સાગર દેગડાને પણ સિંહણે બચકું ભર્યું હતું. યુવકોના હાકલા-પડકારા બાદ સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી.
બંને ઘાયલ યુવકોને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.સાગરભાઈએ જણાવ્યું કે, તેઓ ગૌચર નજીક માલઢોર ચરાવી રહ્યા હતા. બાજુમાં આવેલા ખાલીયામાંથી અચાનક સિંહણ આવી ગઈ અને ઓમગિરિ પર હુમલો કર્યો હતો. તેમની બૂમો સાંભળી હું મદદે દોડ્યો હતો. સાવરકુંડલા સહિત વિવિધ ગ્રામ્ય અને રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડાની હાજરી વધી રહી છે. સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓમાં ભયનો માહોલ છે. વનવિભાગના કર્મચારીઓ દ્વારા વધુ પેટ્રોલિંગની માંગ ઉઠી રહી છે.