સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા
સપ્તાહ વહેલુ ખુલ્લી જતા મુલાકાતીઓમાં આનંદો, દિવાળીનું બૂકિંગ હાઉસફૂલ
સાસણ ગીર નેશનલ પાર્કને લઈને આ નવા નિર્ણયથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જીલ્લા વન વિભાગ દ્વારા સફારીની શરૂૂઆત એક સપ્તાહ પહેલાં કરવામાં આવતાં હવે પ્રવાસીઓ વધુ સમયગાળા માટે ગીરની કુદરતી સમૃદ્ધિ અને એશિયાઈ સિંહોનો માણવો માણી શકે છે.
વન વિભાગના અધિકારી મોહન રામના જણાવ્યા અનુસાર, આદેશને આધારે હવે ગીર નેશનલ સફારી પાર્ક તેમજ રાજ્યના અન્ય તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ્યો 7 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન ગીર અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી જ પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ વર્ષે ચોમાસું વહેલું પૂર્ણ થતાં, પ્રવાસન ક્ષેત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. વન વિભાગે વસવાટ કરનારા પ્રાણીઓની સલામતી તથા પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખી પાર્ક સમય કરતાં પહેલો ખુલ્લો મુકવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ, વન્યજીવ સપ્તાહની ઉજવણીને વધુ અર્થસભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેમ કે માહિતી પ્રસારણ શિબિરો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસો અને નેટિવ ગાઇડ્સ દ્વારા પ્રકૃતિ વિહારો.
વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગીર સફારી પાર્ક વહેલો ખોલવા પાછળ એક મોટું કારણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે. સંભવિત પ્રોટોકોલ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સત્તાધીશો દ્વારા પાર્ક વહેલો ખુલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામા આવે છે.