સિવિલમાં લેબોરેટરી ટેસ્ટ માટે બહાર સુધી લાઈનો લાગી
વાઈરલ રોગચાળાના કારણે એક દિવસના 500થી વધુ ટેસ્ટ, સ્ટાફ પણ હાંફી જાય તેવી સ્થિતિ
શહેરમાં વાયલ રોગચાળો વકરતા ઘેરઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. બીજી બાજુ રોગચાળાને કાબુમાં લેવા મનપા દ્વારા અથાગ પ્રયાસો કરાતા હોવા છતાં શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ઓછો થતો નથી. તે વાતની આ તસ્વીરો ચાડી ખાય છે. વાયરલ ઈન્ફેક્શન જાણવા જૂદા જૂદા લેબોરેટરી ટેસ્ટ જરૂરી હોવાથી રોજ સવાર પડેને લેબોરેટરી પાસે દર્દીઓની લાંબી લાઈનો લાગી જાય છે. આધારભૂત તબીબી વર્તુળોનું કહેવું છે કે શહેર ઉપરાંત જિલ્લા ભરમાંથી દર્દીઓ સારવાર માટે અહીં આવે છે.
જેમાં મોટાભાગના દર્દીઓ વાયરલ રોગચાળો, તાવ, શરદી, ઉધરસના દર્દીઓ હોય છે. કમળો, ટાઈફોડ, ડેંગ્યુ જેવા ગંભીર તાવ, બિમારીનીસારવાર પહેલા દર્દીના લોહી-પેશાબના લેબોરેટરી ટેસ્ટ જરૂરી હોવાથી રોજ લેબોરેટરી પાસે દર્દીઓની લાંબી લાઈનો લાગી જાય છે. સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફના જણાવ્યા મુજબ છેલ્લા સપ્તાહથી રોજ 500થી પણ વધુના સેમ્પલના ટેસ્ટ કરવાના થાય છે. અમુક સમયે સ્ટાફ પણ કામગીરી કરવામાં ફરજ બજાવવામાં હાંફી જાય તેવી સ્થિતિ ઉભી થતી જોવા મળે છે.
સિવિલના તબીબી વર્તુળોએ ત્યાં સુધી કહ્યું કે, પહેલા 250-300 રોજના દર્દીઓના ટેસ્ટની કામગીરી કરાતી હતી પરંતુ અઠવાડિયાથી વાયરલ રોગચાળાએ માથુ ઉચકતાં અહીં લેબોરેટરી ટેસ્ટ માટે આવતા દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી છે. આમ છતાં દર્દીઓની હેરાનગતિ ઓછી કરવા લેબોરેટરી સ્ટાફ જહેમત ઉઠાવતો હોવાનું જાણવા-જોવા મળે છે.