સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની લીફ્ટ ફરી બંધ: સિંચણીયા શરૂ
આઠેક મહિનાથી લીફ્ટ બંધ હોવા છતાં તંત્રના આંખ આડા કાન
ક્ધડમ થઈ ગઈ હોવાથી રિપેરીંગ શક્ય નથી, નવી લીફ્ટની જરૂર, પહેલા માળે આવેલા વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર આવી જવાનો હોવાથી કામગીરી થતી નથી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને હાલાકી પડતી હોવાની ફરિયાદ અવાર-નવાર ઉઠતી રહે છે. ત્યારે ઓપીડી બિલ્ડીંગમાં લેબોરેટરીના કલેક્શન સેન્ટરની લીફ્ટ ફરી બંધ પડી જતાં બ્લડ સેમ્પલ પ્રથમ માળે આવેલા લેબોરેટરીમાં પહોંચાડવા સિંચાણીયા શરૂ થય થયા છે. છેલ્લા આઠેક મહિનાથી લીફ્ટ બંધ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નં. 10માં લેબોરેટરીનું બ્લડ કલેક્શન સેન્ટર આવેલું છે. જ્યાં દરરોજ 300થી 400 દર્દીઓના લેબોરેટરીના સેમ્પલ લેવામાં આવે છે. અને આ સેમ્પલને તપાસણી માટે પ્રથમ માળે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ બ્લડ સેમ્પલને તાત્કાલીક લેબોરેટરીમાં મોકલવામાં ન આવે તો બ્લડ જામી જાય છે. જેથી તાત્કાલીક લેબોરેટરીમાં પહોંચાડવા માટે લીફ્ટ રાખવામાં આવી છે. જે લીફ્ટ અવાર નવાર બંધ થઈ જાય છે. ગત વર્ષે પણ લીફ્ટ બંધ હોવાથી દોરડા મારફત ડોલથી સિંચણીયા શરૂ કરાયા હતાં. જે અંગે ગુજરાત મિરર દ્વારા અહેવાલ પ્રકાશિત કરાતા તંત્ર દ્વારા લીફ્ટ રીપેરીંગ કરવામાં આવી હતી.
જો કે ત્રણ-ચાર મહિના શરૂ રહ્યા બાદ છેલ્લા આઠેક મહિનાથી લીફ્ટ બંધ થઈ જતાં ફરી સિંચણીયા શરૂ કરાયા છે. આ અંગે તંત્રને રજૂઆત કરાતા મેન્ટેનન્સ સ્ટાફ તપાસ માટે આવ્યો હતો. પરંતુ લીફ્ટ ક્ધડમ થઈ ગઈ હોવાથી નવી લીફ્ટની જરૂર હોવાનું જણાવ્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરમાં કલેક્શન સેન્ટર પાસે આવેલો ગાયનેક વિભાગ ઝનાના હોસ્પિટલમાં શીફ્ટથઈ જતાં આ જગ્યાએ લેબોરેટરીનું સેટઅપ ઉભુ કરાયું છે.
જેથી લેબોરેટરી વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જવાનો હોવાથી નવી લીફ્ટ નાંખવા બાબતે ધ્યાન અપાતુ નથી. બીજીતરફ એસીના અભાવે લેબોરેટરી શિફ્ટીંગનું કામ અટકાવાયું છે. લેબોરેટરીમાં કિંમતી મશીનરી ઠંડી રાખવા માટે એસીની જરૂર હોવાથી ગ્રાઉન્ડ ફ્લોરમાં લેબોરેટરી માટે સતાધિશો પાસે એસીની માંગણી કરવામાં આવી છે. જો કે, એસી મંજુર થયા ન હોવાથી લેબોરેટરીનું શિફ્ટીંગ થઈ શકતુ નથી. ત્યારે આ કામગીરી ત્વરીત થાય તેવી માંગ ઉઠી છે.