ખાતરની કૃત્રિમ અછત સર્જાતા 11 ડિલરોના લાયસન્સ સસ્પેન્ડ, 17ને નોટિસ ફટકારી
ગુજરાતમાં વાવણીના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં ખાતરનો જરૂૂરિયાત કરતાં દોઢ લાખ ટન ઓછો જથ્થો મળ્યો છે. 7.55 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળ્યો છે. ખાતરના જથ્થાની શંકાસ્પદ હેરફેર સામે તપાસ શરૂૂ કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં વાવણીની સિઝન દરમિયાન ખાતરની અછત સર્જાઈ છે. રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. ખાતર નહીં મળતા ખેડૂતોની વાવણીને અસર પહોંચી રહી છે.
ત્યારે રાજ્યમાં ખાતરની શંકાસ્પદ હેરફેર પણ સામે આવી છે. આ દરમિયાન રાજ્યને દોઢ લાખ ટન જેટલો ખાતરનો ઓછો જથ્થો મળ્યો હોવાની વિગતો સામે આવી છે. રાજ્યને એપ્રિલથી જૂલાઈ 2025 દરમિયાન માત્ર 7.55 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળ્યો છે. ખાતરની અછત સર્જાતા શંકાસ્પદ હેરફેર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા 14 જિલ્લામાં રેડ પાડવામાં આવી હતી. જેમાં 34 શંકાસ્પદ વ્યવહારો મળ્યાં છે. 11 ડિલરોના ત્રણ માસ સુધીના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે 17 ખાતરના વિક્રેતાઓને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. ખાતરની વધુ ખરીદી કરનારા ખેડૂતો અને વિક્રેતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. ખાતર ખરીદનારા ખેડૂતો અને વિક્રેતાઓની એક યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ખાતરના ઔદ્યોગિક વપરાશ અને કાળા બજાર સામે ત્રણ અધિક કલેક્ટરોની ટીમ પણ બનાવાઈ છે.