સુરેન્દ્રનગરમાં કમળાનો કહેર: એર્થોપેડિક તબીબે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં બોન્ડ આધારિત પતિ-પત્ની ફરજ બજાવતા હતા. ત્યારે ઓર્થોપેડિકમાં ફરજ બજાવતા પતિને કમળા સહિતની બિમારીના કારણે રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. 5-8એ મોત નિપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં બોન્ડ આધારિત તબીબો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 12 માસના કરાર આધારિત મૂળ જામનગરના 32 વર્ષના ડો.પાર્થ વિનોદભાઈ બુમતારિયા ઓર્થોપેડિક તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પત્ની પણ આ જ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ દંપતીને સંતાનમાં 8 માસનું બાળક છે.
ડો. પાર્થ કમળા સહિતની બિમારીમાં સપડાતા તબિયત બગડી હતી. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. 5-8-2025એ તેઓનું અવસાન થયું હતું.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલે પણ જણાવ્યું કે ડો. પાર્થનું બિમારીના કારણે મોત થયું હતું. સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, ડો પાર્થ અને તેમના પત્ની બોન્ડ આધારિત ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. 12 માસમાં ડો. પાર્થને 11 માસ પણ પૂર્ણ થયા હતા અને એક માસ જ બાકી રહ્યો હતો. પરંતુ કમળા સહિત અન્ય બિમારી હેપેટાઇટિસ અ જેવી બિમારીના કારણે મોત થયાનું બહાર આવ્યું હતું.
ડો. પાર્થના મોતથી 8 માસના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.સુરેન્દ્રનગર શહેરમાં હાલ આરોગ્ય વ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. પોષણહીન, અશુદ્ધ પાણી અને સાફસફાઈના અભાવે કમળા, કોલેરા, ટાઈફોઇડ જેવા જીવલેણ રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. જેને કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે. નાગરિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક તમામ ફિલ્ટર પ્લાન્ટો ચાલુ કરાવવામાં આવે, અને શહેરમાં પાણીની ગુણવત્તા નિયંત્રણ માટે કડક પગલાં લેવામાં આવે. આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.