એઇમ્સની આસપાસ દીપડાના આંટાફેરા
બે ભૂંડ અને ચારેક કૂતરાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ
રાજકોટ નજીક આવેલી એઇમ્સ હોસ્પિટલ પાસેના પરા પીપળીયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે. દીપડાએ અત્યાર સુધીમાં ત્રણ બકરા, બે ભૂંડ અને ચારથી વધુ કૂતરાનું મારણ કર્યું હોવાના અહેવાલો છે, જેના કારણે ગામલોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.
ગામલોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા, માત્ર બે દિવસ માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને હટાવી લેવામાં આવ્યું હતું, જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડાના ભયને કારણે ખેતમજૂરી કરતા અનેક મજૂરો ગામ છોડીને જતા રહ્યા છે, જેને લીધે ખેતીકામમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનો ખેતરોમાં જવાથી પણ ડરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દીપડો એઇમ્સ હોસ્પિટલથી માત્ર 500 મીટર દૂર જ દેખાયો હોવાથી હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનો વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાંબા સમયથી દિપડાઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. આ પહેલા નવા એરપોર્ટની દિવાલ કુદી બહાર આવતો દીપડો દેખાયો હતો. તે પૂર્વે શહેરના યુનિવર્સિટી તેમજ રૂરલ પોલીસ હેડકવાર્ટર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા હતા.