ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના તારના ફાંસલામાં એક નર દિપડો ફસાઈને મૃત્યુ પામ્યો હતો.
વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં જગદિશ મકવાણા (44) અને ધિરુ વાધેલા (60)નો સમાવેશ થાય છે.
બંને આરોપીઓ સમઢીયાળા ગામના રહેવાસી છે અને ખેત મજૂર તરીકે કામ કરે છે.વન વિભાગે આરોપીઓ પાસેથી 7 લોખંડના ફાંસલા, 2 મેવટા, લોહીવાળો કોથળો, મોબાઈલ ફોન અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ આરએફઓ એન. વાળા અને તેમની ટીમે આ કામગીરી અંજામ આપી હતી. આરોપીઓને મેંદરડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એક દિવસના પોલીસ રિમાન્ડ બાદ બંને આરોપીઓને જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.