જેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટ
જેતપુર શહેરના જૂના રૂૂપાવટી રોડ પર આવેલા ખારાપાટ વિસ્તારમાં દીપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા દીપડાએ વાડીમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડીમાં આ ઘટના બની હતી. મોડી રાત્રે દીપડાએ વાડીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં બાંધેલી ત્રણ વાછરડીઓનો શિકાર કર્યો હતો. આજે વહેલી સવારે રમેશભાઈ વાડીએ પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં વાછરડીઓના મૃતદેહ જોઈને ચોંકી ઉઠ્યા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં દીપડાના પગલાં (સગડ) મળી આવ્યા હતા, જે દીપડાની હાજરીની પુષ્ટિ કરે છે.
દીપડાના આતંકને કારણે ખેડૂતો અને વાડીએ રહેતા મજૂર પરિવારોમાં ભારે ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરવામાં આવી છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.