રાજુલાના વાવેરા ગામે ઘરમાં ઘુસી બાળક પર દીપડાનો હુમલો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં વહેલી સવારે એક દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગૌશાળા નજીક નદી કાંઠા વિસ્તારમાં આવેલા દેવીપૂજક પરિવારના ઘરે દીપડો ઘૂસી આવ્યો હતો અને વૈભવ નરસીભાઈ સોલંકી નામના બાળકનું માથું પકડી શિકારનો પ્રયાસ કર્યો હતો. જો કે, બૂમાબૂમ થતાં દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને પ્રથમ રાજુલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની સારવાર માટે પ્રાથમિક વ્યવસ્થા કરી હતી.
દીપડાને પકડવા માટે વ્યાપક અભિયાન શરૂૂ કર્યું છે. ગૌશાળા નજીક નદી કાંઠાના વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને વિવિધ ટીમો દીપડાનું લોકેશન શોધવા કાર્યરત છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલીયા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો ઉપરાંત દીપડાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.