સાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલો
સાસણ ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીઓ દ્વારા માનવ વસતી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સાસણની એક આયુર્વેદિક નર્સરીમાં કામ કરતા એક મજૂર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આયુર્વેદિક નર્સરીમાં એક કર્મચારી પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી આવીને દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મજૂરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત કર્મચારીને પ્રથમ સાસણની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સાસણનું જંગલ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનું રહેઠાણ છે. દિવસના સમયે જ દીપડા દ્વારા કરાયેલા આ હુમલાથી નર્સરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.