જંત્રીની ચિંતા છોડો; બિલ્ડરોને દાદાનો દિલાસો
હાલ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને બિલ્ડર લોબીમાં જંત્રીનો મુદ્દો વ્યાપક ચર્ચામાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રેડાઇના કાર્યક્રમમાં જંત્રી મુદ્દે ડેવલપરે કોઇ ચિંતા નહીં કરવા અને રજૂઆતોના આધારે સારો રસ્તો નિકાળવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તે સાથે તેમણે બિલ્ડરોને નાના વન બીએચકે-ટુ બીએચકે એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા ઉપર ધ્યાન આપવા પણ ટકોર કરી હતી. તે ઉપરાંત જંત્રી સંલગ્ન તેમજ ઋજઈંમાં છૂટછાટ સહિતની તમામ રાહતો અને લાભ છેવાડાના વ્યક્તિ-મકાન ખરીદનારા સુધી પહોંચે તે માટે પણ તાકિદ કરી હતી.
મુખ્યમંત્રી પટેલે અમદાવાદમાં ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (ક્રેડાઇ-ગાહેડ) દ્વારા આયોજિત પ્રોપર્ટી શો-ગુજકોનનું ઉદ્દઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતા સીએમ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ક્રેડાઇનો કાર્યક્રમ છે એટલે બધાના મગજમાં જંત્રી જંત્રી ચાલતી હોય. હું વધારે રિલેક્સ કરી દઉ કે કોઇ ચિંતા ના કરશો. તમે તમારી રજૂઆત કરજો પછી સારામાં સારો રસ્તો હતો તે અપનાવી આગળ વધીશું. જંત્રી મૂકાયા બાદ એકાદ-બે જગ્યાએ આંકડા પરથી એવું લાગે કે આમ ન હોઇ શકે પરંતુ તેની સામે એવું પણ છે કે તમે આંકડા આપ્યા હોય તેના પરથી આંકડા આવ્યા હોય. તેમણે કહ્યું હતું કે કોઇ ગભરાવાની જરૂૂર નથી. વિકસિત ભારત માટે ડેવલપર તરીકે તમે જવાબદારી સારી રીતે નિભાવવાની તૈયારી દર્શાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ.
હાલ શહેરોમાં સરેરાશ છેલ્લા કેટલાક સમયથી મોંઘાદાટ અને મોટા રહેણાંક મકાનો જ વધુ બની રહ્યા છે તેની નોંધ લઇને અને નાગરિકોનું ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે સીએમ પટેલે કહ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગની ડેફીનેશન-કોન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂૂર છે. નાના મકાન વન-બીએચકે અને ટુ બીએચકે વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલપર્સને કઈ સુવિધાની જરૂૂર છે તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે. તેમણે ડેવલપર્સને સંબોધીને વધુમાં કહ્યું હતું કે તમે જમીન એટલી મોંઘી કરતા જાવ છો. આમાં કેવી રીતે સસ્તું મકાન બનાવવું તે સવાલ થાય તેથી થોડા નીતિ-નિયમો બદલીએ જેથી તમને પ્રોત્સાહન અને રાહત મળે. પીએમ આવાસ યોજના હેઠળ મકાનો બની રહ્યા છે ત્યારે સરકાર સાથે જોડાઇ નાના મકાનોનો વિચાર કરવા પણ અપીલ કરી હતી. બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વર્ગની દરેક સમસ્યા રજૂઆતો માટે પરામર્શ કરવા સરકાર સક્રિય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.