લીક ગેસ સિલિન્ડર રોડ ઉપર ફેંકતા વિસ્ફોટ, દંપતી અને દુકાનદાર ઘવાયા
આંબેડકરનગરમાં પાનના ધંધાર્થીની બેદરકારીના કારણે અકસ્માત, પોલીસે કલાકો રાહ જોવા છતાં દુકાનની ચાવી નહીં આપતા રિફિલિંગ કૌભાંડની શંકા
હવેલીએથી દર્શન કરી ઘરે જતા રાહદારી વૃધ્ધ દંપતી ઝપટે ચડી ગયા : ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
શહેરના કાલાવડ રોડ પર જડૂસ હોટેલ નજીક આંબેડકરનગરમાં ગંભીર ઘટના સામે આવી છે. પાનના ધંધાર્થીએ ગેસ સિલિન્ડર લીક થતા સિલિન્ડરનો રોડ ઉપર ઘા કરતા વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં રસ્તા પરથી પસાર થતાં એક્ટિવા સવાર વૃધ્ધ દંપતિ અને ગેસ સિલિન્ડરનો ઘા કરનાર પાનના ધંધાર્થીને ઇજા થતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો અને પૂવઠાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગેસ રિફિલિંગ કૌભાંડની શંકા પણ સેવાઇ રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર જડૂસ હોટલથી ભીમરાવ નગર સર્કલ વચ્ચે રોડ પર આજે સવારે 10 વાગ્યાના અરસામાં રોડ પર ગેસ સિલિન્ડ ફાટવાની ઘટના બની હતી. બનાવને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવ બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સિલિન્ડર વિસ્ફોટ થતાં રોડ પરથી પસાર થતા વૃધ્ધ દંપતિ અને એક યુવાનને ઇજા પહોંચતા ત્રણેયને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં નાનામવા મેઇન રોડ પર કસ્તુરી એવીએરીમાં રહેતા રાજેન્દ્રભાઇ કાંતિભાઇ તકવાણી (ઉ.વ.65)નામના વૃધ્ધ અને તેના પત્ની શ્રધ્ધાબેન રાજેન્દ્રભાઇ તકવાણી (ઉ.વ.61)ને મોઢાના ભાગે તથા શરીરે ઇજા પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં વૃધ્ધ દંપતિ સવારે 10 વાગ્યાના અરસામાં જડૂસ હોટલ પાસે આવેલી હવેલીએ દર્શન કરવા ગયા હતા. જયાથી એક્ટિવી લઇ પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતા ઘવાયા હતા. જયારે આ ઘટનામાં નાના મવા એવરસ્ેટ પાર્કમાં રહેતા રવિ ઓશકભાઇ ગમારા (ઉ.વ.24)નામનો યુવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત રવિ આંબેડકરનગરમાં ઘટના બની ત્યા ગાત્રળ ડિલક્ષ પાન નામે દૂકાન ધરાવે છે. તેના જણાવ્યા મુજબ તે સવારે ચા બનાવતો હતો ત્યારે પાંચ કિલોનો ગેસ સિલિન્ડર લીકેજ થતા તેણે રોડ પર સિલિન્ડરનો ઘા કરતા બ્લાસ્ટ થયો હોવાનુ જાણવા મળ્યુ છે.
બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આ ઘટના કઇ રીતે બની તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના બાદ પાનની દૂકાન બંધ કરી દેવામાં આવી હોય અને પોલીસ તપાસ માટે દુકાનની ચાવી મંગાવતા ચાવી સોંપવામાં આવતી ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા પૂરવઠા તંત્રને જાણ કરવામાં આવતા પૂરવઠાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ થઇ રહ્યા હોય જેથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડની પણ શંકાના આધારે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે જો આ ઘટનામાં પણ ગેસ રિફિલિંગ કૌભાંડની શંકા સેવાઇ રહી છે. ગેરકાયદે ગેસ રિફિલિંગ અંગે પોલીસ અને પૂરવઠા વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
દુકાન ખોલતા દેશી દારૂની કોથળીઓ અને ખાલી બિયરનું ટીન મળ્યું
આંબેડકરનગરમાં જાહેર રસ્તા પર ગેસ સિલિન્ડર ફેંકતા વિસ્ફોટ થયાની ઘટનામાં તાલુકા પોલીસે પૂરવઠાના અધિકારીઓને સાથે રાખી ગાત્રળા ડિલક્ષ પાન નામની દુકાન ખોલાવી તલાશી લેતા દૂકાન માંથી દેશી દારૂની બે કોથળીઓ અને દેશી દારૂની ખાલી કોથળીઓ ઉપરાંત ખાલી બિયરનુ ટીન મળી આવ્યું હતું આ અંગે તાલુકા પીઆઇ ડી.એમ.હરીપરા સહિતના સ્ટાફે પ્રોહિબીશનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.