ધ્રોલમાં બનેલ પાણીના ટાંકામાં લિકેજ, ભ્રષ્ટાચારનો આરોપ
સરકાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોચાડવાનો શુભાશય રાખે છે પણ ધ્રોલમાં ઉલટી ગંગા વહી હોય તેમ ઘરે પાણી પહોચવાને બદલે હજુ તો ટાંકાનું લોકાર્પણ થયા પહેલા જ પાણી ટપકવા લાગતા હવે ઘરના નળમાં પાણી ટપકશે કે કેમ તેવા જાગૃત માણસોમાં પ્રશ્નો ઉઠ્યા છે. ધ્રોલના સ્થાનિકોએ પણ પાણીના ટાંકાના કામમાં વ્યાપક ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જીલ્લામાં ધ્રોલ તાલુકો આવેલ છે. જ્યાં હાલ ધ્રોલ નગર પાલિકામાં વહીવટદાર શાસન છે. ધ્રોલ નગર પાલિકા વિસ્તારમાં 8 કરોડથી પણ વધુના ખર્ચે નલ સે જલ યોજનાની અમલવારી કરવામાં આવી હતી.
જે યોજના અંતર્ગત ધ્રોલના અલગ અલગ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનો નાખવામાં આવી હતી. અને પાણીના બે સંપ અને ટાંકા બનાવવામાં આવ્યાં હતા. જેમાં એક પાણીનો ટાકો જ્યોતિ પાર્ક પાસે જ્યારે અન્ય ટાકો ભૂચરમોરીમાં બનાવવામાં આવ્યો હતો. જે પાણીના ટાકા લોકાર્પણ પહેલાં જ લીક થતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પાલિકાએ તો કોન્ટ્રાક્ટરને 6 કરોડથી પણ વધુ રકમના બિલ તો ચૂકવી પણ દિધા છે. ત્યારે તંત્રએ એજ જાણે ભષ્ટ્રાચાર કરવાનો છૂટોદોર આપી દીધો હોય તેમ ટાકાની ગુણવતાની ચકાસણી કર્યા વિના આખો ટાકો બની ગયો ત્યાં સુધી ચેકીંગ કરવાની તસ્દી જ લિધી ન હતી? શું પાણીના ટાંકાનું નિયમો અનુસાર બાંધકામ થયું છે? શા માટે તંત્ર ઢાંકપિછોડો કરી રહી છે. કે પછી ચીફ ઓફિસર અને પાલિકાના એન્જિનિયરને મલાઈ ખાવામાં જ રસ છે? તંત્રને આ બાબતે જાણ હોવા છતાં મૂકપ્રેક્ષકની જેમ બધા ખેલ જોયા કરે છે. પરિણામે અધિકારીની ભૂમિકાઓ અને પાલિકાની નીતિ સામે એનેક સવાલ ઉઠી રહ્યાં છે.આ બાબતે ખાસ સમગ્ર શહેરમાં તથા તાલુકા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.