ગુજરાત હાઈકોર્ટના જજની બદલીના વિરોધમાં રાજ્યભરમાં વકીલોની હડતાલ
ન્યાયતંત્રની ગરીમાને આંચ આવતા હાઈકોર્ટ બાર એસો.ને કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાના કરેલા ઠરાવને જુદા જુદા બાર એસો.ને સમર્થન આપતા કોર્ટ કાર્યવાહી ઠપ્પ
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવતાં રાજ્યભરનાં વકીલોમાં રોષ ભભૂકયો છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન દ્વારા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ નોંધાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ બાર એસો.ના ઠરાવને રાજ્યભરના જુદા જુદા જિલ્લા તાલુકાના એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે રાજ્યભરનાં વકીલો હડતાળ ઉપર ઉતરતાં કોર્ટ કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. જેના ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયા છે.
સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા દેશની વિવિદ હાઈકોર્ટના 14 ન્યાયાધીશોની બદલીની ભલામણો કરવામાં આવી રહી હતી. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટ અને જસ્ટીસ સી.એમ.રોયનો સમાવેશ થાય છે. કોલેજીયમ દ્વારા જસ્ટીસ સંદીપ એન.ભટ્ટની બદલી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અને જસ્ટીસ સી. એમ. રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવાની ભલામણ કરી હતી. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવતાં રાજ્યભરનાં વકીલોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને જે બદલીનો હુકમ રદ કરવા માંગ ઉઠી હતી.
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન દ્વારા સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગત તા.28નાં રોજ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનું ઠરાવ કરવામાં આવ્યો હતો અને જે બદલીનો હુકમ રદ કરવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ અને કોલેજીયમના સભ્યો સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો. કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાના ગુજરાત બાર એસોસીએશનના ઠરાવને રાજ્ય ભરનાં જુદા જુદા બાર એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને મળવા માટેનોં સમય મળતાં જે ઠરાવને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન દ્વારા મોકુફ રાખવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંદીપ ભટ્ટની પ્રસ્તાવીત બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન દ્વારા ગઈકાલે પણ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટ બાર એસોસીએશનના ઠરાવને રાજ્યભરનાં જુદા જુદા જિલ્લા તાલુકા બાર એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વકીલો દ્વારા ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે હડતાળ ઉપર ઉતરતાં કોર્ટ કાર્યવાહી ઠપ્પ રહી હતી.
ચૈતર વસાવાના જામીન સહિત પાંચ હજાર કેસનું હિયરીંગ ઠપ્પ
ગુજરાત હાઈકોટર્ર્ના ન્યાયાધીશ સંદીપ એન.ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવતાં વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે અને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન દ્વારા સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્ક્ષો હતો. હાઈકોર્ટ બાર એસોસીએશનના વકીલો દ્વારા ગઈકાલે પણ હડતાળ રાખવામાં આવી હતી. જે હડતાળ આજે પણ યથાવત છે. હાઈકોર્ટ બાર એસોસીએશનને જુદા જુદા જિલ્લા તાલુકા બાર એસોસીએશને સમર્થન આપ્યું છે. વકીલોની હડતાળના પગલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી સહિત જુદા જુદા 5000 જેટલા કેસોનાં હિયરીંગ પર અસર પડશે.