રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર - કચ્છના વકીલોએ ઘડી રણનીતિ
સૌરાષ્ટ્રમાં રાજકોટને ફરી હાઇકોર્ટની બેંચ આપવા માગ ઉઠી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માગ મુકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અન્ય શહેર-જિલ્લાના બાર એસોસિએશન સાથે જોડાયેલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ લડતને મજબૂત રીતે આગળ કેવી રીતે વધારવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજની આ મિટિંગમાં 80 જેટલા વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને બધા સાથે મળી આવતા દિવસોમાં મજબૂત રીતે આ લડત આગળ વધારવા સહમતી દાખવી હતી.
હાઇકોર્ટ બેંચની માગ સાથે બાર એસો.ની પ્રથમ બેઠક મળી તાજેતરમાં મહારાષ્ટ્રમાં હાઇકોર્ટની બેંચ કોલાપુરને ફાળવવામાં આવ્યા બાદ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેંચ ફરી શરૂૂૂ કરવા માગ કરવા નિર્ણય કરવમાં આવ્યો હતો. જે અંતર્ગત એક કમિટી બનાવી અને કાયદાકીય રીતે આ લડત ચલાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂૂૂપે આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ બાર એસોસિએશનને જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આજ રોજ રાજકોટના કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે સવારે 11 વાગ્યે આ બેઠક મળી હતી, જેમાં રાજકોટ બાર ઉપરાંત આસપાસના તાલુકા અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બાર એસોસિએશન સાથ જોડાયેલા 80 જેટલા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં સૌ લોકોએ રાજકોટને સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેંચ શું કામ આપવી જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરી તેમજ ક્યાં ક્યાં મુદ્દાને આવરી લઇ કોને કોને સાથે રાખી કઈ કઈ જગ્યાએ ક્યારે રજૂઆત કરવી અને શું રજૂઆત કરવી તેમજ કેવી રીતે રજૂઆત કરવી સહિતમાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ 1983 સમયમાં હડતાળ પણ કરવી પડી હતી એ રીતે આ વખતે જરૂૂૂર પડ્યે ઉગ્ર રજૂઆત કરવી કે કેમ અથવા કાયદાકીય રીતે માંગ કેવી રીતે કરવી તે અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અન્ય શહેર જિલ્લામાંથી આવેલા બારના હોદેદારોએ ટેકો જાહેર કરી જરૂૂૂર પડ્યે રાજકોટ બારની સાથે ઉભા રહી સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેન્ચ આપવાની મામ્ગ અને લડતમાં જોડાવવા સહમતી દાખવી હતી.
સાંસદસભ્યો અને ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપ લીગલ સેલમાં જોડાયેલા તમામ વકીલ મિત્રો એકત્ર થઇ શહેર કમલમ ખાતે શહેર ભાજપના હોદેદારો તેમજ સાંસદસભ્યો અને ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી અમારી માગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી, જેને ભાજપના નેતાઓએ પણ સ્વીકારી સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેંચ રાજકોટને મેળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી સરકારમાં યોગ્ય રજૂઆત કરવા સહમતી દાખવી હતી.
હાઈકોર્ટની સર્કિટ બેંચની માગ 4 દાયકાઓથી વધુ જૂની સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હાઈકોર્ટની સર્કિટ બેંચની માગ ચાર દાયકાઓથી વધુ જૂની છે. આ વિસ્તાર ગુજરાતના કુલ વિસ્તારના લગભગ અડધા ભાગને આવરી લે છે અને અહીંથી ગુજરાત હાઈકોર્ટના કુલ કેસોમાંથી 45%થી વધુ કેસ આવે છે. રાજકોટમાં બેંચની સ્થાપના કરવાથી આ વિસ્તારના લોકોને અમદાવાદ જઈને કેસોની સુનાવણી કરાવવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે.