For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

03:49 PM Aug 07, 2025 IST | Bhumika
રાજકોટને હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું ફરી એલાને જંગ

રાજકોટ બાર એસો.ની મીટીંગમાં હાઇકોર્ટની સર્કિટ બેંચ લાવવા 27 વરિષ્ઠ અને તજજ્ઞ વકીલોની કમિટી રચાઇ

Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છના એક લાખ ચોરસ કિલોમીટર વિસ્તારના 2.57 કરોડ લોકો માટે પીડાદાયક પ્રશ્નનો નિવેડો આવશે ?

સૌરાષ્ટ્ર - કચ્છનાં એક લાખ ચોરસ કિલોમિટર વિસ્તારનાં 2.57 કરોડ લોકોને તાત્કાલીક ન્યાય મળે એ માટે સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે છેલ્લા 43 વર્ષથી વકીલો ઉચ્ચ સ્તરે રજુઆત કરી રહયા છે. અને અગાઉ છ માસ સુધી હાઇકોર્ટની બેંચ માટે આંદોલન પણ થયુ હતુ. તેમ છતા રાજકોટને હાઇકોર્ટની બેંચ મળી ન હતી. ત્યારે રાજકોટનાં વકીલોએ રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે ફરી ચળવળ શરૂ કરી હોય તેમ તાત્કાલીક બાર એસોસીએશન દ્વારા મિટીંગ બોલાવવામા આવી હતી. અને 27 જેટલા વરિષ્ઠ અને તજજ્ઞ ધારાશાસ્ત્રીઓની કમિટીની રચના કરવામા આવી છે. કમિટી મેમ્બર સહીતનાં વકિલો એકજુથ થઇ રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા જંગ છેડયો છે.

Advertisement

ગુજરાત રાજયની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર જયારે રાજયનો દરજજો ધરાવતુ હતુ. ત્યારે સૌરાષ્ટ્ર હાઇકોર્ટની બેંચ સૌરાષ્ટ્રનાં હાર્દસમા રાજકોટમા બેઠતી હતી. ગુજરાત રાજયની સ્થાપના થતા સૌરાષ્ટ્ર હાઇકોર્ટની બેંચ બંધ થઇ હતી. અને ગુજરાત રાજયમા માત્ર હાલ અમદાવાદ ખાતે હાઇકોર્ટ કાર્યરત છે. તાજેતરમા બોમ્બે હાઇકોર્ટ દ્વારા કોલ્હાપુરને સર્કિટ બેંચ મળે તે અંગે ચીફ જસ્ટીશ દ્વારા ગવર્નરની મંજુરી લઇ નવી સર્કિટ બેંચની રચના કરવામા આવી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનનાં સભ્યો દ્વારા સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે અંગેની વર્ષોથી પડતર માંગ અંગે ફરી ચળવળ શરૂ કરવામા આવી છે. સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમા હાઇકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટે વકીલ સહીતનાં રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રો દ્વારા અવાર નવાર સરકારમા રજુઆત કરવામા આવી છે. અને રાજકોટ બાર એસોસિએશનની ચુંટણીમા દર વર્ષે ઉમેદવારો દ્વારા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવાનાં વચનો આપવામા આવે છે. અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામા આવે છે.

તેમ છતા રાજકોટને હાઇકોર્ટની બેંચ મળી નથી. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા તાબડતોબ એક મિટીંગ બોલાવવામા આવી હતી જેમા રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે મિટીંગમા એકઠા થયેલા સિનીયર - જુનીયર વકીલોએ મનોમંથન કર્યુ હતુ. અને રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા માટે એક કમિટીની રચના કરવામા આવી છે જેમા 27 વરિષ્ઠ અને તજજ્ઞ વકીલોની નિમણુંક કરવામા આવી છે. છેલ્લા 43 વર્ષથી રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા માટે વકીલો દ્વારા અવાર નવાર સરકારમા રજુઆતો કરવામા આવી છે. અને 1983 મા રાજકોટનાં વકીલો દ્વારા છ માસ સુધી આંદોલન ચલાવવામા આવ્યુ હતુ. તેમ છતા રાજકોટને હાઇકોર્ટની બેંચ નહી મળતા રાજકોટનાં વકીલોએ ફરી એક વખત હાઇકોર્ટની બેંચ માટે એલાન એ જંગનાં મંડાણ માંડયા છે.

પડોશી રાજય મધ્ય પ્રદેશમાં હાઇકોર્ટની ત્રણ કાયમી બેંચ છે
ગુજરાતનાં પાડોશી રાજય મધ્ય પ્રદેશમા હાઇકોર્ટની જુદી જુદી 3 કાયમી બેંચ કાર્યરત છે . ત્યારે ગુજરાતમા માત્ર એક જ હાઇકોર્ટ અસ્તિત્વમા છે મધ્ય પ્રદેશનાં 3,08,209 ચો. કીમી. વિસ્તારમા 3 હાઇકોર્ટની બેંચો કાર્યરત છે ત્યારે ગુજરાતમા 1,96,024 ચો. કીમી. મા માત્ર એક જ હાઇકોર્ટ કાર્યરત છે સૌરાષ્ટ્ર - કચ્છનાં આશરે 1 લાખ ચો. કીમી વિસ્તાર હોવા છતા હાઇકોર્ટની એક પણ બેંચ કાર્યરત નથી મધ્ય પ્રદેશમા જબલપુર, ઇન્દોર અને ગ્વાલીયરમા હાઇકોર્ટની બેંચ આવેલી છે. વિસ્તારની દ્રષ્ટીએ જોવામા આવે તો ગુજરાતમા પણ હાઇકોર્ટની બે બેંચ હોવી જોઇએ તેવુ તજજ્ઞો માની રહયા છે. વિસ્તારની દ્રષ્ટીએ જો વિચારવામા આવે તો સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળી શકે તેમ છે.

1956 સુધી રાજકોટમાં બેસતી હતી સૌરાષ્ટ્રની હાઇકોર્ટ
આઝાદી પછી સૌરાષ્ટ્ર હાઇકોર્ટ અસ્તિત્વમા આવી હતી સૌરાષ્ટ્ર હાઇકોર્ટનાં પ્રથમ મુખ્ય ન્યાયાધીશ એમ. સી. શાહ હતા જેઓ અગાઉ બોમ્બે હાઇકોર્ટનાં ન્યાયાધીશ હતા બેરિસ્ટર પી. એલ. ચુડગર અને રાજકોટનાં બેરિસ્ટર એસ. સી. શ્રોફ સૌરાષ્ટ્ર હાઇકોર્ટનાં જજ હતા સૌરાષ્ટ્ર રાજયમા રાજકોટ તેનુ પાટનગર હતુ રાજકોટ, જુનાગઢ, જામનગર , ભાવનગર અને સુરેન્દ્રનગર દરેક જીલ્લા માટે જીલ્લા અને સેશન્સ કોર્ટ હતી દરેક જીલ્લામા સિવીલ જજ સિનીયર ડિવીઝન અને જુનિયર ડીવીઝનની કોર્ટ હતી.

હાઈકોર્ટની સર્કિટ બેંચ માટે 27 સભ્યોની કમિટીની રચના
જી. કે. ભટ્ટ , હેમેનભાઈ ઉદાણી ,મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા , એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર.ઠાકર , બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી. એલ. રામાણી , સંજયભાઈ વ્યાસ , રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચોહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા ,બિમલ જાની , હિતેષ દવે , બિપીન આર. કોટેચા અને વિજયભાઈ તોગડીયાનો સમાવેશ થાય છે.

1983માં 6 માસ સુધી વકીલોએ આંદોલન કર્યુ’તું
ગુજરાત રાજયની સ્થાપના થતા રાજકોટ ખાતે બેઠતી સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બંધ કરી દેવામા આવી હતી સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બંધ થતા જ વકીલ આલમ દ્વારા સૌરાષ્ટ્રને ફરી હાઇકોર્ટની બેંચ મળે તે માટે અનેક વખત રજુઆતો કરવામા આવી હતી. તેમ છતા હાઇકોર્ટની બેંચ નહી મળતા વર્ષ 1983 મા રાજકોટનાં વકીલો દ્વારા ઘનિષ્ઠ પ્રયાસ કરવામા આવ્યા હતા. અને હાઇકોર્ટની બેંચ માટે છ માસ સુધી આંદોલન ચલાવવામા આવ્યુ હતુ તેમ છતા રાજકોટને હાઇકોર્ટની બેંચ મળી ન હતી.

વકીલોને હાઇકોર્ટ માટે હાકલ કરનાર અર્જુન પટેલ જ કમિટીમાંથી બાકાત
સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તેવા વર્ષોથી પડતર પ્રશ્ર્નો અંગે સોશ્યલ મીડીયામા રાજકોટનાં સિનીયર એડવોકેટ અને પુર્વ પ્રમુખ અર્જુન પટેલ દ્વારા રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે લડત ચલાવવા હાંકલ કરવામા આવી હતી . અને રાજકોટ બાર એસોસિએશનની વર્તમાન બોડીને ઉચ્ચ કક્ષાએ રજુઆત અંગે સંદેશો પાઠવવામા આવ્યો હતો. જે ચર્ચા સોશ્યલ મીડીયામા શરૂ થતા બાર એસોસિએશન દ્વારા તાબડતોબ ગત તા. 5 નાં રોજ મિટીંગ બોલાવવામા આવી હતી અને જેમા હાઇકોર્ટની બેંચ માટે લડત ચલાવવા 27 વરિષ્ઠ અને તજજ્ઞ ધારાશાસ્ત્રીઓની કમિટીની રચના કરવામા આવી હતી . પરંતુ હાઇકોર્ટની બેંચ માટે વકીલોને હાંકલ કરનાર અર્જુન પટેલને જ કમિટીમાથી બાકાત રાખવામા આવતા ફરી એક વખત વકીલો વચ્ચે ચાલતા મતભેદો ઉડીને આંખે વળગ્યા છે. ત્યારે આ અંગે અર્જુન પટેલની પુછપરછમા તેમણે જણાવ્યુ હતુ કે રાજકોટને હાઇકોર્ટની બેંચ મળે તે માટે વકીલો દ્વારા થતા તમામ પ્રયાસોમા હું સાથે છું પરંતુ વકીલો વચ્ચે ચાલતા મતભેદોનાં કારણે કમિટીમા સમાવેશ કરાયો ન હોવાનુ જણાવ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement