સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ
પુત્ર ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવીધી રાજકોટ ખાતે યોજવામાં આવશે તેવું રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
વિજયભાઇનું વિમાન દુર્ઘટનામાં અવસાન થતા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ પુત્રી તથા અન્ય પારિવારીક મિત્રો આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જયારે અમેરિકા રહેતા તેમના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી આવવા નીળી ગયા છે અને આવતીકાલે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચે ત્યારબાદ અંતિમ યાત્રા અંગે આખરી નિર્ણય લેવામાં આવનાર છે.
મળતી માહિતી મુજબ સ્વ.વિજયભાઇના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવનાર છે. સંભવત: આવતીકાલે શનિવારે સાંજ સુધીમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી જવાની શકયતા છે. ત્યારબાદ પાર્થિવ દેહ સોંપાયા બાદ અંતિમવિધી રાજકોટમાં કયારે કરવી તે નિર્ણય લેવામાં આવશે તેવું સ્વ.વિજયભાઇના નિકટવર્તી સુત્રોએ જણાવ્યું હતું.