દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે પ્લેન દૂર્ઘટનામાં નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રા નિકળી હોય મુખ્યમંત્રીના અંતિમ યાત્રામાં પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પ્રકાશ સોસાયટી ખાતે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો અને સાંજે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. અંતિમ યાત્રાને લઈને પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને અંતિમ યાત્રાના આગળ તેમજ પાછળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાને લઈને ટ્રાફિક વ્યવસ્થા અને વાહન પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રકાશ સોસાયટી ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી ત્યારે પ્રકાશ સોસાયટી તેમજ નિર્મલા કોન્વેન્ટ રોડ, કાલાવડ રોડ, દસ્તુર માર્ગ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, કોર્પોરેશન ચોક, રાજેશ્રી સિનેમા રોડ, પેલેસ રોડ અને કોઠારિયા નાકા થઈ સ્મશાન યાત્રા રામનાથપરા સ્મશાન ખાતે પહોંચનાર હોય જેને લઈને પોલીસ દ્વારા અંતિમ યાત્રાના રૂટ ઉપર નો પાર્કિંગ સાથે અંતિમ યાત્રામાં જોડાનાર વાહનો અને સરકારી વાહનો સિવાય અન્ય તમામ વાહનોને પ્રવેશબંધી ફરમાવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રોટોકોલ મુજબ બે વખત ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રકાશ સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર વખતે શોક ગાર્ડ ઓફ ઓનરમાં વોલીફાયર સાથે તેમને અંતિમ સન્માન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ડીસીપી કક્ષાના ત્રણ અધિકારીઓ સાથે એસીપી અને પીઆઈ સહિત 100થી વધુ પોલીસને બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યા હતાં.