ચોરવાડમાં શહીદ જવાનને અંતિમ વિદાય, હજારો લોકો ઉમટ્યા
છ કિલોમીટર લાંબી અંતિમયાત્રા નીકળી, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
લદાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જૂનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન રાકેશ ડાભીનો પાર્થિવદેહ સૈન્ય સન્માન સાથે તેમના વતનમાં પહોંચ્યો છે. શહીદની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને પશહીદ વીર અમર રહોથના નારા લગાવ્યા હતા. આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું.બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયેલા રાકેશ દેવાભાઈ ડાભી લેહમાં મહાર યુનિટમાં ફરજ બજાવતા હતા. ત્રણ દિવસ પહેલાં વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં આવેલા હિમસ્ખલનમાં રાકેશભાઈ સહિત અન્ય બે જવાન શહીદ થયા હતા.
આ બનાવમાં સિપાહી મોહિતકુમાર અને અગ્નિવીર નિરજકુમાર ચૌધરીએ પણ જીવ ગુમાવ્યો હતો.શહીદ રાકેશ ડાભીના પાર્થિવ દેહને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં આર્મી જવાનોએ સલામી આપી હતી. ત્યાર બાદ, અંતિમયાત્રા શરુ થઇ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. ચોરવાડ ઉપરાંત ગડુ, વિસણવેલ, કાણેક અને જુજારપુર સહિતના ગામોના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.નિવાસસ્થાનથી સ્મશાનગૃહ સુધીના 6 કિલોમીટરના માર્ગ પર માનવ મહેરામણ ઉમટ્યું હતું. નાના બાળકોથી માંડીને વડીલો સુધી તમામે શહીદ વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આખું ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારજનો તથા સ્નેહીજનોમાં અત્યંત ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.