ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાનો અંતિમ દિવસ : જનમેદની ઉમટી
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાતા પરંપરાગત રખ પાંચમના મેળાએ ગઈકાલે ગુરુવારે ત્રીજા દિવસે મેળા શોખીનોને જાણે ગાંડા કર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલા ચાર દિવસના આ લોકમેળાના ત્રીજા દિવસે લાખો જેટલી સંખ્યામાં મેળા શોખીન જનતાએ મન ભરીને મેળાને માણ્યો હતો. આ લોકમેળાની આજે શુક્રવારે મોડી રાત્રે મંગલ પૂર્ણાહુતિ થશે.
ખંભાળિયા તાલુકાની શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત શિરેશ્વર મહાદેવ મંદિર નજીક યોજાયેલા શિરેશ્વરના લોકમેળામાં મંગળવારે પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઊમટી પડ્યા હતા. પાંચમના રોજ ત્રીજા દિવસે ખંભાળિયા શહેરમાં બપોર બાદ રજાનો માહોલ જોવા મળ્યો હતો. લોકમેળાના સ્થળે તો ગઈકાલે સવારે નવેક વાગ્યાથી જ આસપાસના ગામોના લોકો સાથે ભોજન - નાસ્તો લઈને આવી ગયા હતા. આ લોકમેળામાં અનેકવિધ પ્રકારની રાઈડ્સ તેમજ મનોજના સાધનો ઉપરાંત ખાણીપીણીની મોજ માણી અને મેળા શોખીનોએ આનંદ સાથે સંતોષનો ઓડકાર લીધો હતો.
પાંચમના ત્રીજા દિવસનું મહત્વ ધરાવતા આ લોકમેળામાં ગઈકાલે હકડેઠઠ જનમેદની જોવા મળી હતી અને સમગ્ર લોકમેળાનું સ્થળ લોકોની ચિચિયારીઓ તેમજ મ્યુઝિકથી ગુંજતું રહ્યું હતું. અનેક નગરજનો રાત્રીના 11-12 વાગ્યે પોતાના ઘરેથી મેળામાં મહાલવા માટે નીકળ્યા હતા અને આ લોકમેળો મોડે સુધી ચાલ્યો હતો.
મેળાના સ્થળે પોલીસ તેમજ હોમગાર્ડસ દ્વારા પણ જરૂૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પરિણામે ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. મેઘરાજાના વિઘ્ન વગર ચાલેલા આ લોકમેળાની આજે ચોથા દિવસે મેળાની રંગેચંગે સમાપ્તિ થશે.