For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેમ ઝોન અગ્નિકાંડ કેસ દરરોજ ચલાવવા સામે જમીન માલિક અશોકસિંહ-કિરીટસિંહે ઉઠાવ્યો વાંધો

05:43 PM Dec 03, 2024 IST | Bhumika
ગેમ ઝોન અગ્નિકાંડ કેસ દરરોજ ચલાવવા સામે જમીન માલિક અશોકસિંહ કિરીટસિંહે ઉઠાવ્યો વાંધો
Advertisement

રાજ્યભર ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં ચાલતી ટ્રાયલમાં અંતે આજે સેશન્સ અદાલતમાં 10મી મુદતમાં તમામ આરોપીઓએ તેમના વકીલ રોકી લીધા હોવાનું જાહેર કરતા કેસ આગળ ચાલવાની આશા જાગી છે, પરંતુ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે આ કેસ ડે-ટુ-ડે (રોજેરોજ) ચલાવવાની આપેલી અરજી સામે બે આરોપીઓ અશોક સિંહ અને કિરીટસિંહે વાંધા રજુ કર્યા છે, અદાલત દ્વારા હવે 19 ડિસેમ્બરની મુદત આપવામાં આવી છે.

દરમિયાન આ કેસમાં આરોપી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાલાલ ઠેબાએ રેગ્યુલર જામીન અરજી આજે રજુ કરી છે.

Advertisement

શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની બાબતોમાં વિવિધ તંત્રોના અધિકારીઓ અને ગેમ ઝોનના ભાગીદારો વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.

જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આ તમામ જેલ હવાલે છે. દરમિયાન આ કેસ ચાર્જશીટ મુકાયા બાદ ટ્રાયલના તબક્કે આવ્યા બાદ કેટલાક આરોપીઓએ નવમી મુદત સુધી તેમના વકીલ રોક્યા ન હતા, અદાલત દ્વારા તમામને વકીલ રોકવા તાકીદો કરાતી હતી, આજે દસમી મુદ્દતે ટ્રાયલ દરમિયાન તમામ આરોપીઓને ઉપસ્થિત રખાયા હતા અને તમામ આરોપીઓએ વકીલ રોકી દીધા હોવાનું અદાલતમાં જાહેર કર્યું હતું તેથી કેસ ઝડપથી આગળ ચાલવાની આશા બંધાણી હતી.

પરંતુ ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીની તાજેતરની ડે ટુ ડે ટ્રાયલ ચલાવવાની અરજી સંદર્ભે આરોપીઓ જમીન માલિકો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ આ કેસ ડે ટૂ ડે ચલાવવા સામે વાંધા રજુ કર્યા હતા. ત્યારબાદ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘે આ કેસમાં તારીખ 19 ડિસેમ્બરની મુદત જાહેર કરી હતી. બીજી તરફ આજે આરોપી ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠબાએ તેમના વકીલ વિજયસિંહ જાડેજા મારફત આગોતરા જામીન અરજી રજૂ કરી છે, કોર્ટ આ બાબતે હવે પછી નિર્ણય લેશે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement