ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
મવડીની કરોડો રૂપિયાની બે જમીનના રાજાશાહી વખતના બોગસ લેખ કલેક્ટર કચેરીમાં રજૂ કરી માલિકીનો દાવો ર્ક્યો
અભિલેખાગાર કચેરીમાં સહી-સિક્કાનું વેરિફિકેશન કરાવતા ભાંડો ફૂટ્યો, બે કૌભાંડીઓની ધરપકડ
શહેરમાં બોગસ દસ્તાવેજો બનાવી કૌભાંડ અર્ચારવામાં આવતું હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ 1972 પહેલાના દસ્તાવેજોના હાથે લખેલા બોગસ દસ્તાવેજ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો થયો હતો. ત્યારે શહેરમાં વધુ એક સરકારી જમીનને ખાનગી જમીન દર્શાવી બોગસ દસ્તાવેજ ઉભા ર્ક્યાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
મવડીની 19 એક્ર સરકારી જમીન બે કૌભાંડીયાએ પોતાના પરિવારની સ્ટેટ દ્વારા અપાયેલી હોવાના બોગસ લેખ ઉભા કરી કલેક્ટર કચેરીમાં રજુ કરી આ જમીન ખાનગી માલીકીની હોવાનું જણાવી રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા અરજી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે તાલુકા પોલીસે મામલતદારની ફરિયાદ પરથી છેતરપીંડી અને બોગસ દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર શૈલેષ કુમાર જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ માવજી પારઘી (રહે.ગાંધીવસાહત મેઇન રોડ મોરબી રોડ)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની 9-એકર 13 ગુંઠા જમીન તેના દાદા ડાયાભાઇ દેસાભાઇના વારસદાર તરીકે વિનોદ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ જમીન પરના લાંબા ગાળાના ખેડવાણ હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા કલેક્ટર કચેરીમાં તા.29/8/2023માં અરજી કરી હતી.
જેના પૂરવા તરીકે વિનોદ પારઘીએ તેના દાદા ડાયા દેસાના નામનો તા.26/10/1932નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ રજુ કરી મવડી-2 ગામની 9 એકર 13 ગુંઠા જમીન જે ઢુગલાવારી ઢાળ ખેતર તરીકે ઓળખાતી જમીન વારસાહી દરજે ચડાવવા રજુઆત કરી હતી. જેથી તંત્ર દ્વારા રજુ કરેલા આધાર પુરાવાની તપાસ કરતા લેખમાં દર્શાવેલ ગુજરાતી અને અંગ્રેજી કેલેન્ડર તારીખોમાં વિસંગતા જણાઇ આવી હતી. જેથી વિનોદ પારઘીએ સ્ટેટના લેખનું લખાણ રજુ કરેલું જે લેખ અભિલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા આવા કોઇ લેખની નોંધ ન હોેવાનું અને અભિલેખાગાર કચેરીના બોગસ સહિ સિક્કા ર્ક્યા હોવાનું જણાઇ આવ્યું હતું.
જેથી આરોપી વિનોદ પારઘીએ તેના દાદાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવી હોવાની ખોટી વિગત જણાવી બોગસ ડોક્યુમેન્ટના આધારે સરકારી જમીનને ખાનગી જમીન દર્શાવી માલીકીનો દાવો ર્ક્યો હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે બીજી ફરિયાદમાં ફરિયાદી દક્ષિણ મામલતદાર શૈલેષ કુમાર જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલા તાલુકાના સુખસર ગામે રહેતા લખા નાજાભાઇ ખીમસુરીયાનું નામ આપ્યું છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજકોટના મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની 10 એકર જમીન તેના પિતા લખા નાજાભાઇના વારસદાર તરીકે આરોપી લખા નાજાભાઇએ સ્ટેટના લેખના આધારે ખેડવણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવણ કબજા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા કલેક્ટર કચેરીમાં તા.19/1/2024માં કચેરી કરી હતી.
જેના પૂરાવા તરીકે આરોપી લખા ખીમસુરીયાએ તેના પિતા નાજા રઘાના નામનો તા.26/10/1937નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ રજુ કરી ઢુગલાવારી તરીકે ઓળખાતી 10 એકર જમીન વારસાહી દરજે નામે ચડાવવા રજુઆત કરી હતી. જેથી તંત્ર દ્વારા આધાર પુરાવાની ખરાઇ કરતા સર્વે નં.194 હાલના રેકર્ડમાં આવેલ સર્વે નં.194 સાથે પ્રસ્થાપિત થતું ન હોય અને મહેસુલી રેકર્ડ 1955ના રેકર્ડમાં માત્ર ખેતરના નામ આધારે નોંધ થઇ હતી. તેમજ લેખમાં દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડરની તારીખોમાં વિસંગતા જણાતા કલેક્ટરને દરગાસ્ત કરવામાં આવી હતી. આરોપી લખા ખીમસુરીયા દ્વારા રજુ થયેલું સ્ટેટના લેખનું લખાણ અભિલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા આ લેખની કોઇ નોંધ થઇ ન હોવાનું અને અભિલેખાગાર કચેરીના બોગસ સહિ-સિક્કા ર્ક્યા હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી આરોપી લખા ખીમસુરીયાએ પોતાના પિતાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવી હોવાની ખોટી વિગત જણાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે કલેક્ટર કચેરીમાં રજુ કરી ખાનગી જમીન દર્શાવી પોતાના નામની જમની નોંધણી કરવા અરજી કરી હોવાનું સામે આવ્યું હતું.
ઉપરોક્ત બન્ને ફરિયાદમાં આરોપીઓએ મવડીની સરકારી ખરાબાની 19 એકર જમીન તેમના પરિવારજનોને સ્ટેટ દ્વારા અપાઇ હોવાના ખોટા દસ્તાવે ઉભા કરી અભિલેખાગાર કચેરીના બોગસ સહિ-સિક્કા કરી સ્ટેટના લેખ ઉભા કરી કલેક્ટર કચેરીમાં વારસાહી નોંધ કરાવવા માટે રજુ કરી સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આર્ચયુ હોવાનું ખુલતા તાલુકા પોલીસે મામલતદારની ફરિયાદ પરથી બન્ને આરોપી સામે છેતરપીંડી અને બોગસ દસ્તાવેજો બનાવવાની ક્લમ હેઠળ ગુનો નોંધી પીઆઇ સી.એચ.જાદવે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.