લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 8 કેસોમાં પોલીસ ફરિયાદનો નિર્ણય, 17માં સમાધાન
80માંથી 51 કેસ ખોટા નીકળતા રદ કરાયા, 4 ફાઇલ પેન્ડિંગ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 80 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 51 કેસ રદ કરવામાં આવ્યા હતા, જ્યારે 4 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા, 17 કેસોમાં સમાધાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે 8 કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ 8 કેસ પૈકી 2 કેસ રાજકોટ શહેરના છે અને 6 કેસ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના છે. આગામી સમયમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં આ 8 FIR નોંધવામાં આવશે અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લેન્ડગ્રેબિંગ કમિટિની બેઠકમાં બંન્નેપક્ષોના અરજદારોને પણ હાજર રાખી તેમની રજૂઆતો સાંભળવામાં આવ્યા હતા અને દલિલો બાદ 17 કેસોમાં બન્નેપક્ષો વચ્ચે સમાધાન સાધવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબર્સ અને તેમની સાથે સંકળાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે.