ખમૈયા કરો, ઘરની વાત ઘરમાં રાખવા પાટીદાર આગેવાનોને લલિત વસોયાની અપીલ
પાટીદાર વિવાદને લઈને સમાજના અગ્રણી લલિત વસોયાએ અપીલ કરી. આ સાથે તેમણે સમાજ જોગ સંદેશ આપતા નિવેદન આપ્યું કે પાટીદાર સમાજનો વિવાદ ઉકેલાઇ જશે.સમાજના આગેવાનો જ આ વિવાદનો ઉકેલ લાવશે.સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો. લલિતભાઈ વસોયાએ કહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં પાટીદારો જ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
સોશીયલ મીડીયાના માધ્યમથી લલિત વસોયાએ સમાજના બે મોટા પાટીદારો વચ્ચે ચાલતા વિવાદમાં વધુ આગ ના ચાંપવા અપીલ કરી. પાટીદારો જ એક બીજાની તરફેણમાં પાટીદારોની જ પાઘડી ઉછાળી રહયા છે. તેને લીધે પાટીદાર સમાજને કલંક લાગે છે જે કાંઈ પણ પ્રશ્ન હશે તે સમાજ ના આગેવાનો મામલાનો ઉકેલ લાવશે. આપણે પાટીદારો સરદાર પટેલના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે તેમ ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. જો આપણે જ લડવા લાગીશું તો બહારના લોકો પણ આપણી વચ્ચે વધુ ગૂંચવાડા ઉભા કરશે.આપણી વચ્ચે ગમે તેટલા મતભેદ કેમ ના હોય પરંતુ આપણે એક પરિવારની જેમ જ રહેવું પડશે અને જે પણ સમસ્યા હોય તેનો શાંતિથી ઉકેલ લાવવો પડશે.
નોંધનીય છે કે રાજકોટમાં યોજાયેલ સમૂહ લગ્નમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા જયેશ રાદડિયાએ કેટલાક લોકોને ઉદેશીને કહ્યું હતું કે સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે. સમાજના કામો કરવાના નામે રાજનીતિ કરી રહ્યા છે. જયેશ રાદડીયાની ટપોરીવાળી કમેન્ટને લઈને પાટીદાર સમાજના કેટલાક લોકો વધુ નારાજ થયા હતા.રાદડિયાએ નામ લીઘા વગર પાટીદાર સમાજના એક અગ્રણી આગેવાન પર નિશાન સાધ્યું હતું. જયેશ રાદડિયાએ કોને લઈને આ કમેન્ટ કરી હતી તે એક ખુલ્લું રહસ્ય કહી શકાય.
નિષ્ણાતો માને છે કે રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન તાકતા પડકાર ફેંક્યો હતો. આ કમેન્ટ બાદ પાટીદાર જૂથમાં એકબીજા પર પ્રહારનો સિલસિલો ચાલુ થયો. જેના બાદ પાટીદાર અગ્રણી લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર વિવાદને વધુ હવાના આપવા તમામને અપીલ કરી.