શપથ બાદ નવા મંત્રીઓને લાડુ જમણ પીરસાશે
મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓ અને 8000 કાર્યકરો માટે ભોજનની વ્યવસ્થા: ચૂરમાના લાડુ, ફૂલવડી, વાલનું શાક, પુરી, તજ-લવિંગવાળા ભાત, દાળ, છાશનું ભોજન પીરસાયું
ગાંધીનગરમાં આજે નવા પ્રધાનમંડળની શપથવિધિમા ગુજરાતભરમાંથી ભાજપના આશરે 8 હજારથી વધુ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, આ તમામ માટે મહાત્મા મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચુરમાના લાડુ અને ફૂલવડી સહિતના ભોજન કાર્યકરોએ આરોગયા હતા.
મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રી મંડળનો શપથ ગ્રહણની પૂર્વ સંધ્યાએ મહાત્મા મંદિર મુખ્ય હોલમાં 8,000 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થાની સાથે સાથે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ નવનિયુક્ત મંત્રીઓની સાથે બહોળા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ સંતો પણ હાજર રહ્યા હતા, શપથ સમારોહમાં સંતો માટે ખાસ અલગ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું હતું.નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એકસરખું મેનુ રાખવામાં આવ્યું હતું.
શપથ ગ્રહણ સમારોહ બાદ નવનિયુક્ત મંત્રીઓએ પણ કાર્યકરો સાથે ચૂરમાના લાડુ અને ફૂલવડીનું ભોજન આરોગ્યું હતું. નેતાઓ અને કાર્યકર્તાઓને ચૂરમાના લાડુ, ફૂલવડી, વાલનું શાક, પુરી, તજ લવિંગ વાળા ભાત અને ગુજરાતી દાળ સાથે છાશનું ભોજન પીરસવામાં આવ્યું હતું.આ પૂર્વે ગઈ કાલે સાંજે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા માટે પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર પહોચ્યાં હતા. એસપી રવિ તેજા વાસમશેટ્ટી સહિતના અધિકારીઓ સાથે મંત્રીઓએ સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.