સામાજિક-ભાવનાત્મક શિક્ષણનો અભાવ બાળકોની લાગણી માટે ઘાતક
યોગ્ય ઉંમરે નહીં મળેલી સામાજિક સમજદારીના કારણે હિંસા તરફ પ્રેરાતા ભુલકાંઓ: હિંસક વીડિયો અને શો બાળકોને હિંસક બનાવી દેતા હોવાનું તારણ
અમદાવાદ, બાલાસિનોરની ઘટના બાદ સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના પ્રો.યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીનો અભ્યાસ
અમદાવાદમાં એક આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી હતી, જેણે સમાજમાં ચિંતા ઊભી કરી છે. આ પ્રકારની હિંસક ઘટનાઓ પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે છે. મનોવૈજ્ઞાનિક વિશ્ર્લેષણના સંભવિત કારણો પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા દોશી દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સામાજીક પાસાના અભાવે નકારાત્મક અસર થયાના તારણો સામે આવ્યા હતા.
બાળકો અને કિશોરોમાં ક્રોધ, હતાશા, અથવા અપમાન જેવી લાગણીઓ સામાન્ય હોય છે. પરંતુ જો તેઓને આ લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાનું કે નિયંત્રિત કરવાનું શીખવવામાં ન આવે, તો તે આક્રમક વર્તન તરફ દોરી શકે છે. આ કિસ્સામાં, કદાચ વિદ્યાર્થીએ ગુસ્સામાં આવીને આવેશપૂર્વક આ કૃત્ય કર્યું હોય. ક્યારેક બાળપણમાં થયેલા આઘાતજનક અનુભવો (જેમ કે ઘરેલુ હિંસા, પૂરતો પ્રેમ ન મળવો, કે સતત અપમાન થવું) બાળકોના મન પર ઊંડી અસર કરે છે. આના કારણે તેઓ ભવિષ્યમાં આક્રમક અને હિંસક બની શકે છે. આ વિદ્યાર્થીના જીવનમાં પણ કોઈ એવા કારણો હોઈ શકે છે. શાળાઓ અને પરિવારોમાં માત્ર શૈક્ષણિક પ્રગતિ પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓને તેમની લાગણીઓને સમજવા અને સંચાલિત કરવા માટેનું શિક્ષણ ઓછું મળે છે. સામાજિક કૌશલ્યો, જેમ કે વિવાદનું નિરાકરણ, સહાનુભૂતિ, અને માફી જેવી બાબતોના અભાવે આવી ઘટનાઓ થઈ શકે છે.
કેટલાક અહેવાલો મુજબ, આ ઘટના એક અઠવાડિયા પહેલા થયેલી સામાન્ય બોલાચાલીનું પરિણામ હોઈ શકે છે. જો આરોપી વિદ્યાર્થી સતત બુલિંગનો ભોગ બન્યો હોય અને તેના મનમાં વેરની ભાવના પ્રબળ બની ગઈ હોય, તો તે આ પ્રકારનું હિંસક પગલું ભરી શકે છે. કેટલીકવાર ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે આક્રમક વર્તન સંબંધિત વિકૃતિઓ(conduct disorders)પણ હિંસક વર્તનનું કારણ બની શકે છે. જોકે આ માટે તબીબી નિષ્ણાતનું વિશ્ર્લેષણ જરૂૂરી છે. બાળકોમાં વધતી જતી આક્રમકતા, જાતીય દુર્વ્યવહાર અને ધીરજનો અભાવ એ આધુનિક સમાજની ગંભીર સમસ્યાઓ છે. આ પાછળ ગેજેટ્સનો અતિશય ઉપયોગ અને ઉછેરની પદ્ધતિઓ જવાબદાર હોઈ શકે છે.
આધુનિક ગેજેટ્સ બાળકોના માનસ પર ઊંડી અસર કરે છે, જેના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો પણ છે. જેમાં ગેજેટ્સ પર ચાલતી હિંસક વિડીયો ગેમ્સ અને શો બાળકોના મગજમાં હિંસક વર્તનને સામાન્ય બનાવી દે છે. આનાથી તેઓ વાસ્તવિક જીવનમાં પણ તેવું વર્તન અપનાવી શકે છે. ગેજેટ્સ પર તરત જ મળતા પરિણામો (conduct disorders) બાળકોમાં ધીરજનો અભાવ પેદા કરે છે. જ્યારે તેઓ કોઈ કાર્ય માટે રાહ જોવી પડે છે, ત્યારે તેઓ અધીરા થઈ જાય છે અને ક્રોધિત થાય છે. આ ટેવો લાંબા ગાળે જીવનના પડકારોનો સામનો કરવામાં અવરોધ ઊભો કરે છે. ગેજેટ્સના અતિશય ઉપયોગથી બાળકો બહારની રમતો અને વાસ્તવિક સામાજિક સંપર્કથી દૂર રહે છે. આનાથી તેઓ અન્ય લોકો સાથે વાતચીત કરવા, લાગણીઓને સમજવા અને વિવાદોનું નિરાકરણ લાવવા જેવા સામાજિક કૌશલ્યો શીખી શકતા નથી.
બાળકોનો ઉછેર તેમના મનોવૈજ્ઞાનિક વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોને ક્રોધને કાબુમાં રાખવાનું શીખવવામાં નિષ્ફળતા, માતા-પિતા દ્વારા અપમાનજનક કે હિંસક વર્તન, અથવા વધારે પડતી અપેક્ષાઓ બાળકોમાં હતાશા અને આક્રમકતાનું કારણ બની શકે છે. જ્યારે બાળકો ગુસ્સાને યોગ્ય રીતે વ્યક્ત કરવાનું શીખતા નથી, ત્યારે તેઓ શારીરિક હિંસાનો માર્ગ અપનાવી શકે છે. જાતીય શિક્ષણનો અભાવ અને પરિવારમાં ખુલ્લા સંવાદનો અભાવ બાળકોને સંવેદનશીલ બનાવે છે. બાળકોને તેમના શરીર વિશે અને ખરાબ સ્પર્શ વિશે જાગૃત ન કરવાથી તેઓ શોષણનો શિકાર બની શકે છે. કુટુંબમાં પ્રેમ અને સુરક્ષાનો અભાવ બાળકોને દુર્વ્યવહાર કરનારા લોકો તરફ દોરી શકે છે. બાળકોને નાનપણથી જ દરેક વસ્તુ તાત્કાલિક આપી દેવાથી તેઓ રાહ જોતા શીખતા નથી. આના કારણે તેઓ ભવિષ્યમાં નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરી શકતા નથી, કારણ કે તેમને હંમેશા બધી જ વસ્તુઓ તરત મળવાની આશા હોય છે. આ સમસ્યાઓનો ઉકેલ ગેજેટ્સના મર્યાદિત ઉપયોગ, સકારાત્મક પારિવારિક વાતાવરણ અને બાળકોને સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યો શીખવવામાં રહેલો છે. આ માટે માતા-પિતા અને શિક્ષકોએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂૂરી છે.