રાજકોટ જિલ્લામાં કાયમી DEOના અભાવે શિક્ષકો હેરાન: CM-સ્કૂલ્સ કમિશનરને રજૂઆત
રાજકોટ જિલ્લામાં ત્રણ મહીનાથી ડીઇઓની બદલી બાદ અહીં ઇન્ચાર્જ ડીઇઓની નિમણુંક થતા શિક્ષકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ અંગે રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ સ્કુલ ટીચર્સ એસોસીએશન દ્વારા ગાંધીનગર સ્થિત શાળાના કમિશનર, રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી- સચીવ સહીત સંબંધીતોને લેખીત રજુઆત કરી તાત્કાલીક ડીઇઓની નિમણુંક કરવા માંગ કરી છે. રજુઆતમાં રોષભેર જણાવ્યું છે કે સરકાર ડબલ એન્જીનવાળી પણ રાજકોટ જિલ્લામાં ડબલ જગ્યા પર એક જ ડીઇઓથી કેમ ગાડુ ગબડે? તે વિચારવા જેવું છે.
આ અંગે વધુ વિગતો આપતુ શિક્ષકોનું એસોસીએશન જણાવે છે કે રાજકોટ જીલ્લામાં ડીઇઓ નિલેશકુમાર રાણીપાની બદલીને ત્રણ માસ જેવો સમય થયો હોવા છતાં તેની જગ્યાએ કાયમી ડી.ઇ.ઑ.ની નિમણૂક્ન કરવાને બદલે પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ આપી દેતા ઇન્ચાર્જ ડી.ઇ.ઑ. ખુદ કામના ભારણમાં વ્યસ્ત હોવાથી પૂરતો સમય આપી શકતા નથી. રાજકોટ જિલ્લાના શિક્ષકોના પ્રાણપ્રશ્નો જેવાકે ઇજાફા, ઉચ્ચતર પગાર ધોરણ કેમ્પ, નિવૃત્તિ પેન્શન કેસ, આરટીઆઇ, શાળાઓમાં ફાયર સેફ્ટી વગેરે અંગે કોઈ કાર્યવાહી થતી નથી.
શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના આશરે 40 જેટલા શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાના હોવા છતાં આ શિક્ષકોના હાયર ગ્રેડ,પેન્શનપેપર વર્ક,ઇજાફા અંગે જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ છેલ્લા ત્રણ માસથી કોઈ કાર્યવાહી કરી નથી. અને શિક્ષકોની નિવૃત્તિ હિસાબની ફાઇલ ડી.ઇ.ઓ.ની તથા કેળવણી નિરીક્ષકની સહીના અભાવે ડી.ઇ.ઑ. કચેરીમાં ધૂળ ખાય છે.
ડી.ઈ.ઓ. કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓએ એ શાળા સંચાલકો, આચાર્ય કે સંઘના આગેવાનોના ફોન ઊપાડતાં નથી. તાજેતરમાં રાજકોટમાં આખા રાજ્યમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં પણ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ડીઇઓની નીતિ વિષે અખબારમાં ખૂબ વિવાદ આવ્યો છે. આજે જ્યારે ગુજરાત રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યના શિક્ષણના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે, ત્યારે જીલ્લામાં ડબલ જગ્યા ઉપર એક ડી.ઇ.ઓ. થી કેમ ગાડું ગબડે? આ બાબતે તાત્કાલિક શિક્ષકોના હિતમાં જરૂૂરી પગલાં લેવા માંગ કરાઇ છે.