લાલાએ બોકસ ઓફિસ ઘેલી કરી; સૌથી વધુ કમાણી કરતી ગુજરાતી ફિલ્મ બની
રૂા.62.74 કરોડની ગ્રોસ કમાણી; છઠ્ઠા અઠવાડિયે પણ અનેક થિયેટરોમાં હાઉસફૂલના પાટિયા ઝુલે છે; ‘ચાલ જીવી લઈએ’ નો રેકોર્ડ તૂટયો
ગુજરાતી સિનેમા અને ‘લાલો- શ્રીકૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મ માટે આ વાક્ય એકદમ બંધ બેસે છે, એક એવી ફિલ્મ જેને રિલીઝ વખતે સ્ક્રિનિંગ નહોતું મળી રહ્યું, આજે સિનેમાઘરોમાં ઢગલાબંધ સ્ક્રિનિંગ હોવા છતાં ટિકિટ નથી મળી રહી. માત્ર એટલું જ નહિ, જોતજોતામાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તમામ સ્ક્રિનિંગ અને એક દિવસીય કમાણીના રેકોર્ડ તોડી બહોળી સફળતા મેળવી લીધી છે.
ત્રણ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ પર સંઘર્ષ કર્યા બાદ ચોથા અઠવાડિયાની કમાણી જોઈ એવું જ માની શકાય કે ભગવાન શ્રીકૃષ્ણના જાણે હજારો હાથે આશીર્વાદ વરસાવ્યા હોય. હાલ છઠ્ઠુ અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ફિલ્મે નેટ ₹52.74 કરોડ અને ગ્રોસ ₹62.74ની કમાણી કરી છે. પલાલોથ વિક્રમજનક કમાણી સાથે ગુજરાતી સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે કમાણીના અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે.
અત્યાર સુધી આ તાજ ‘ચાલ જીવી લઈ એ’ (2019) પાસે હતો. આ ફિલ્મની ગ્રોસ કમાણી ₹50 કરોડની હતી. ફિલ્મના પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ અને ડિરેક્ટર અંકિત સખિયાએ આ બાબતે જણાવ્યું હતું કે, લોકોનો જે રીતે પ્રતિસાદ મળે છે તે જોતા લાગે છે પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો. કમાણીના આંકડાઓ કરતાં અમારા માટે આ મહત્ત્વનું છે. આ ફિલ્મ 25 કરતા વધારે દેશોમાં રિલીઝ થઈ તેમજ ફિલ્મ 10 લાખ કરતાં વધુ ભારતની બહાર રહેનારાઓ જોશે તેવું કદાચ પ્રથમવાર છે.
હવે હિન્દીમાં પણ દેશભરમાં રિલીઝ થશે
ગુજરાતી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યા બાદ, હવે બહુચર્ચિત ફિલ્મ પલાલો - કૃષ્ણ સદા સહાયતેથ નેશનલ લેવલ પર ગુંજવા માટે તૈયાર છે. ફિલ્મની ટીમે તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જાહેરાત કરી છે કે, આ ફિલ્મ હવે હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના માધ્યમથી સમગ્ર દેશ ‘કૃષ્ણમય’ બનશે. તાજેતરમાં ફિલ્મ ‘લાલો’ની ટીમે એક પોડકાસ્ટમાં ફિલ્મના ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે, ગુજરાતમાં મળેલા અપાર પ્રેમ અને સફળતા બાદ, હવે પલાલોથ હિન્દી દર્શકો માટે પણ ઉપલબ્ધ થશે.
