કોઠારિયા સોલવન્ટના આધેડને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા ત્રણ માળીયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં આવેલા ત્રણ માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા હરીશભાઈ ધીરુભાઈ કારીયા નામના 53 વર્ષના આધેડ સાડા ત્રણેક વાગ્યાના અરસામાં અટીકા ફાટક પાસે હતા. ત્યારે બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હરીશભાઈ કારીયાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અજય રામજીભાઈ ધામા નામના 30 વર્ષના યુવકનું અને કાંતા વિકાસ ગૃહ પાસે આવેલા નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા શારદાબેન હિતેશભાઈ ભુવા (ઉ.વ.45)નું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. યુવાન અને પ્રોઢાના મોતથી બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.