કોડીનારના શિક્ષકનો મૃતદેહ અંતે સ્વિકારાયો, કેબિનેટમંત્રી દોડી આવ્યા
કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુ:ખદ મામલામાં આજે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. જો કે આ મુદ્દે કેબિનેટ મંત્રીએ દખલગીરી કરીને પરિવાર સાથે બેઠક યોજી હતી. જેના અંતે પરિવાર અંતિમ વિધિ કરવા માટે તૈયાર થયો છે.
હકીકતમાં SIR કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવથી કંટાળી કોડીનાર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા અરવિંદ વાઢેરે પોતાની પત્નીને ઉદ્દેશીને સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. મૃતકે અંતિમ ચિઠ્ઠીમાં સતત થાક અને માનસિક તણાવ અનુભવતા હોવાનું તેમજ કામગીરીનું દબાણ વધારે સહન ના થતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષક સંગઠનોએ SIR કામગીરીમાં શિક્ષકો પર અસહ્ય દબાણ લાવવા બદલ વહીવટી તંત્રની ટીકા કરી હતી. જ્યારે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
આ બાબતની જાણ થતાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા કોડીનાર દોડી આવ્યા હતા. જ્યાં મંત્રી અને મૃતકના પરિવાર વચ્ચે અડધા કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકના અંતે મૃતક શિક્ષકના પરિવારજનોએ જણાવ્યું કે, મંત્રીએ અમારા દ્વારા કરવામાં આવેલી માંગણી અંગે ખાતરી આપી છે. જે બાદ અમે ડેડ બોડી સ્વીકારીને અંતિમ વિધિ કરવા તૈયાર થયા છીએ.
સમગ્ર વહીવટી તંત્રના તમામ અધિકારીઓ આજે કોડીનાર હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે. સરકાર તેમની સાથે જ છે.