કોડીનાર નગરપાલિકાના વહીવટદાર દ્વારા સફાઈ કર તથા પાણી વેરામાં દસ ગણો જંગી વધારો કરવા હિલચાલ
કોડીનાર નગરપાલિકાના વહીવટ દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ મિલકત ધારકો ઉપર સફાઈ કર તથા પાણી વેરામાં 10 ગણો જંગી વધારો કરવા તજવીજ હાથ ધરતા આ અંગે આજરોજ કોડીનાર નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ મહેશભાઈ પીઠાભાઈ કામળીયા, ભરતભાઈ નાથાભાઈ કતીરા તથા દિવ્યાબેન રમેશભાઈ ચુડાસમા દ્વારા આ વધારો નહીં કરવા અંગે એક વિસ્તૃત પત્ર કોડીનાર નગરપાલિકા ના વહીવટદાર એવા મામલતદારને પાઠવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે કોડીનાર નગરપાલિકાના વહીવટદાર દ્વારા તારીખ 23 -12 -2024 ના રોજ વર્તમાન પત્રમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને કોડીનાર નગરપાલિકાની આવશ્યક સેવાના ખર્ચને પહોંચી વળવા કોડીનારના લોકો પર સફાઈ કર તથા પાણી વેરામાં 10 ગણો જંગી વધારો કરવા તજવીજ હાથ ધરી છે જે બિલકુલ વ્યાજબી નથી અને આ વધારો કરવા લેવાયેલો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી છે.
વધુમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓએ પત્રમાં જણાવ્યું છે કે કોડીનાર નગરપાલિકાના હાદવિસ્તારના લોકો માટે પાણી વેરો તથા સફાઈ વેરામાં જે 10 ગણો વધારો કરવા જઈ રહ્યા છે તે કોડીનારની પ્રજા માટે અન્યાય રૂૂપ અને હાલની વધતી જતી મોંઘવારીમાં દાજીયા ઉપર ડામ સમાન રહેશે હાલ રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારના સફાઈ માટે ખૂબ જ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમજ કોડીનાર નગરપાલિકામાં કોઈ નવી ભરતી કરવામાં આવી નથી કે મહેકમમાં પણ કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી કોડીનાર નગરપાલિકા વિસ્તારની સફાઈ માટે પૂરતા સાધનો સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે અને વર્તમાન સમયમાં કોઈપણ નગરપાલિકા દ્વારા પાણી વેરો કે સફાઈ વેરોમાં વધારો કરવામાં આવ્યો નથી ત્યારે કોડીનારની સહનશીલ પ્રજા માટે આ વધારો અસહય રહેશે જેથી આ વધારો કરવા નિર્ણયની સામે વાંધા રજુ કરીને કોડીનાર નગરપાલિકા વિસ્તારના લોકો માટે સફાઈ કર અને પાણી વેરામાં વધારો મોકુફ રાખવા માંગણી કરી છે.