કોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વર્ષોથી ખેડૂતોના ગામ નમૂના નંબર 7/12 ના બીજા હક્કમાં મકાન, ઢાળિયા, વૃક્ષો, કૂવા અને બોરવેલ વગેરેની નોંધ દાખલ કરવાની કામગીરી મામલતદાર કચેરી દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા તાલુકાના તમામ ખેડૂતો ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કામગીરી બંધ થવાના કારણે ગ્રામ્ય સ્તરે મોટા પ્રમાણમાં પ્રશ્નો ઊભા થયા છે.
કોડીનાર સરપંચ સંઘના પ્રમુખ કનુભાઈ લાખત્રોણા દ્વારા આ બાબતે મામલતદાર સાહેબ, કોડીનારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાત્કાલિક આ કામગીરી પુન: શરૂૂ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
લેખિત રજૂઆત માં જણાવ્યા પ્રમાણે 2004 થી કોડીનાર તાલુકાના ખેડૂતોના 7/12 ના બીજા હક્કમાં તેમની ખેતીની જમીન પરના મકાનો, ઢાળિયા, વૃક્ષો, કૂવા, અને બોરની નોંધ કરવામાં આવતી હતી. આ નોંધના કારણે ખેડૂતોના 7/12 અને 8-અ નું ટાઇટલ જળવાઈ રહેતું હતું. સાથે જ, વીજળી કનેક્શન મેળવવામાં, વિવિધ બાગાયતી સહાય યોજનાઓનો લાભ લેવામાં, અને વાવાઝોડા જેવી કુદરતી આફતો દરમિયાન બાગાયતી સહાય મેળવવામાં સરળતા રહેતી હતી. તાજેતરમાં, કોડીનાર મામલતદાર કચેરી દ્વારા આ કામગીરી બંધ કરી દેવાતા ખેડૂતોને આ તમામ સરકારી લાભો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને તેઓ હેરાન થઈ રહ્યા છે. સરપંચ સંઘના પ્રમુખ કનુભાઈ લાખત્રોણાએ પોતાની રજૂઆતમાં મામલતદાર તાલાલાના પત્ર નો સ્પષ્ટ સંદર્ભ ટાંક્યો છે.
તાલાલા મામલતદાર કચેરીએ મુખ્યમંત્રીના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ પીપળવા ગામના એક અરજદારને આપેલા જવાબમાં જણાવ્યું છે કે: નસ્ત્રતા. 20/11/2025 ના રોજ કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને લેવાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિર્ણય લેવાયો છે કે બીજા હક્કમાં તમામ પ્રકારના મકાન, ઢાળિયા, વૃક્ષો, કૂવા, બોર વગેરેની નોંધ દાખલ કરવી.સ્ત્રસ્ત્ર આ નિર્ણયના આધારે તાલાલા તાલુકામાં એક અરજદારની મકાન અંગેની નોંધ નંબર-2745 થી દાખલ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં એ પણ જણાવાયું છે કે ગીર સોમનાથ જિલ્લાના જ અન્ય તાલુકાઓ, જેમ કે ઉના અને ગઢડા માં આ પ્રકારની નોંધ દાખલ કરવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. ઉના અને ગઢડા તાલુકામાં નોંધ દાખલ કરાઈ હોવાના હક્કપત્રકની નકલો પણ રજૂઆત સાથે બિડવામાં આવી છે.
એક જ જિલ્લાના એક તાલુકામાં કામગીરી ચાલુ હોય અને બીજા તાલુકામાં બંધ હોય, તેવી ભેદભાવભરી નીતિ સામે કોડીનારના ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.ત્યારે સરપંચ સંઘના પ્રમુખ કનુભાઈ લાખત્રોણાએ કોડીનાર મામલતદારને ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ, કચેરીના ઈ-ધરા શાખા મારફત તાત્કાલિક અસરથી ગામ નમૂના નં-7 ના બીજા હક્કમાં મકાન, ઢાળિયા, વૃક્ષો વગેરેની નોંધ દાખલ કરવાનો આદેશ કરવા માટે વિનંતી કરી છે. આ ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆતની નકલો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમજ જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય રાજકીય મહાનુભાવોને પણ મોકલીને આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે.