પ્રેમલગ્નનો ખાર રાખી ખંભાળિયાના આંબરડી ગામના યુવાનનું અપહરણ કરી હુમલો: 13 સામે ગુનો
ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા દિલીપભાઈ ભીમશીભાઈ જોગલ નામના 30 વર્ષના યુવાને થોડા સમય પૂર્વે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, એ બાબતનું મન દુ:ખ રાખી અને મણીપુર (નાના ખડબા, તા. લાલપુર) ગામે રહેતા સવા કારા કાંબરીયા, બાબુ કારા કાંબરીયા, પુના કાંબરીયા, દેવશી વેજા કાંબરીયા, રવિ દેવાણંદ કાંબરીયા, વીરા કાંબરીયા, નરેશ સવા કાંબરીયા, દેશુર સોમાત કાંબરીયા, સાજણ સોમાત કાંબરીયા ભરત વેજા કાંબરીયા, રમેશ કાંબરીયા તેમજ રીંજપર ગામે રહેતા દેવશી ભીમશી વસરા અને પારસ વસરા નામના 13 શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી, અને ગેરકાયદેસર રીતે મંડળી રચીને ફરિયાદી દિલીપભાઈ સાથે સમાધાન કરવાના બહાને તેમના ઘરે આવી અહીં બોલાચાલી કરી હતી.
આ પ્રકરણમાં તા. 8 ના રોજ મધ્યરાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે આરોપીઓએ ફરિયાદી દિલીપભાઈ જોગલને બળજબરીપૂર્વક મોટરકારમાં બેસાડીને ફરિયાદી તથા તેમના પત્નીને માર મારી, બંનેનું અપહરણ કરી લીધું હતું. આટલું જ નહીં આરોપીઓએ મોબાઈલની લૂંટ ચલાવી ફરિયાદી તથા સાહેદ તેમના પત્નીને ગોંધી રાખી, બેફામ માર માર્યો હતો.
જેના કારણે દિલીપભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. આ પ્રકરણમાં આરોપી સાજણ કાંબરીયાએ ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાનું કહે તેમની પર ગાડી ફેરવી દઈ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવમાં આરોપીઓ દ્વારા કુહાડા, લાકડાના ધોકા જેવા હથિયારનો ઉપયોગ થયો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે તમામ 13 શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓને રાત્રે જ દબોચી લીધા હતા. આ ફરિયાદ સંદર્ભે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.