અમદાવાદનો ખોખરા વિસ્તાર સજજડ બંધ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 23 ડિસેમ્બરના રોજ કે.કા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેને લઈને દલિત સમાજના લોકો એકત્રિત થયા હતા. સાંજ સુધીમાં આરોપીને પકડવામાં આવે તેવી પોલીસને માંગ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનાને લઇને ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ઘટનાને 24 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં આરોપી પકડવામાં ન આવતા દલિત સમાજના લોકો દ્વારા આજે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ખોખરા વિસ્તારમાં આવેલ રાધે મોલની તમામ દુકાનો ખુલ્લી જોવા મળતા દલિત સમાજના 100 લોકોનું ટોળું ઘૂસી ગયું હતું. તમામ દુકાનદારોને બે હાથ જોડીને અપીલ કરી હતી કે, અમારા આ વિરોધમાં આપનું પણ સમર્થન જરૂૂરી છે. દુકાનદારોએ પણ દલિત સમાજના લોકોને સમર્થન આપી દુકાનો પણ બંધ કરી હતી.
દલિત સમાજ દ્વારા વહેલી સવારથી જ ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સવારમાં આ દલિત સમાજના લોકોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંતે 11:00 વાગે દલિત સમાજના લોકો દ્વારા ખોખરા બંધ કરાવવા માટે રેલી સ્વરૂૂપે નીકળ્યા હતા અને ખોખરા વિસ્તારમાં જે દુકાનો ખુલ્લી હતી તેને બંધ કરાવી હતી. દલિત સમાજ દ્વારા હજુ પણ પોતાની માંગ પર તટસ્થ જોવા મળી રહ્યા છે. આ જ સાંજ સુધી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
બે શકમંદોને શોધવા પોલીસ મથક સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબીની 20 ટીમો કામગે લાગી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.માલિકે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આઈ ડીવીઝનના એસીપીના નિરીક્ષણ હેઠળ ગોમતીપુર, અમરાઇવાડી, ખોખરા, રામોલ, નિકોલ, ઓઢવ પોલીસ સ્ટેશન તેમજ એલસીબીની અલગ અલગ 20 ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે. મોડી રાતથી 1,000થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં બે મોટરસાયકલ ઉપર આવેલ શખ્સો પોલીસના શંકાના દાયરામાં આવ્યા છે. આ શકમંદો ઝડપથી પકડી લેવા માટે 20 થી વધુ પોલીસ ટીમ કામે લાગી છે.