ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાની રંગેચંગે પૂર્ણાહુતિ: લાખોની જનમેદનીએ મેળાની મોજ માણી
પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રહી, મોડી રાત્રે પૂર્ણાહૂતિ થતાં તંત્રને હાશકારો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં યોજાતા પરંપરાગત શિરેશ્વર લોકમેળાની શુક્રવારે ચોથા દિવસે મોડી રાત્રે મંગલ પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે લાખોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીએ મેળાની મન ભરીને માણ્યો હતો. આ તમામ વ્યવસ્થા માટે શક્તિનગર ગ્રામ પંચાયત સાથે પોલીસ પ્રશાસનની કામગીરી પણ મહત્વપૂર્ણ બની રહી હતી.
ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં તા. 26 થી 29 ઓગસ્ટ સુધી ચાર દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેળાના પ્રારંભથી જ જુદા જુદા વિસ્તારમાંથી મેળા શોખીન લોકો મેળાની મોજ માણવા ઉમટ્યા હતા. ફક્ત ખંભાળિયા શહેર કે તાલુકા જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ હજારોની સંખ્યામાં લોકો લોકમેળાની મોજ માણવા ઉમટ્યા હતા. એક અંદાજ મુજબ આશરે ત્રણથી ચાર લાખ જેટલા લોકો આ મેળામાં મહાલ્યા હતા.
અનેકવિધ પ્રકારની રાઈડ્સ, મનોરંજનના સાધનો, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સુચારુ આયોજન માટે શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ (બાબાભાઈ) નકુમ તેમજ તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા અને તેમની ટીમ દ્વારા તમામ જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
આ લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ નીચે ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ પોલીસની ટીમ અવિરત રીતે કાર્યરત રહી હતી. અહીંના બંદોબસ્ત માટે પોલીસની ખાસ સ્કીમ બનાવવામાં આવી હતી. તેમાં પી.આઈ., પી.એસ.આઈ. ટી.આર.બી. તેમજ હોમગાર્ડઝના જવાનો ખડે પગે રહ્યા હતા.
આ લોકમેળામાં એન્ટ્રી તથા એક્ઝિટ માટે ખાસ પોઇન્ટ તેમજ બેરીકેટીંગની વ્યવસ્થા પી.એસ.આઈ.ની સીધી દેખરેખ હેઠળ કરાઈ હતી. લોકમેળામાં ખાસ સ્ટોલમાં પબ્લિક એનાઉન્સમેન્ટ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો તેમના વિખુટા પડી ગયેલા પરિવારજનો તેમજ ખોવાઈ ગયેલા માલ સામાન વિગેરે બાબતે સંપર્ક કરી શકતા હતા. પોલીસની સી-ટીમ દ્વારા મહિલાઓ, દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધો માટે નોંધપાત્ર કામગીરી કરાઈ હતી. આ કંટ્રોલરૂૂમ આખો દિવસ કાર્યરત રાખવામાં આવ્યો હતો.
આ સાથે લોકમેળાના સ્થળે સુરક્ષા સેતુ રથમાં પોલીસ સ્કીમ સહિતની બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મેળાના સ્થળે નજર રાખવા 25 સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેનું મોનિટરિંગ કંટ્રોલરૂૂમમાં અવીરત રીતે કરવામાં આવતું હતું.
પોલીસની સતર્કતા તથા જાગૃતિના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. અને લાખો લોકોએ મોડે સુધી લોકમેળાને નિર્ભિક રીતે માણ્યો હતો.