કલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકારાઈપૂર્વક આવી રહેલા એચ.આર. 26 એફ.એલ. 6200 નંબરના એક મોટરકારના ચાલકે પેથાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રમેશભાઈ ભોજાભાઈ કણજારીયા (ઉ.વ. 32, રહે. કેનેડી) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પરપ્રાંતિય કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
રીક્ષા પલટી જતા પોસીત્રાના વૃદ્ધનું મૃત્યુ
દ્વારકા તાલુકાના પોસીત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ મૂળજીભાઈ પાંજરીવાલા નામના 60 વર્ષના વૃદ્ધ તેમના પુત્ર સાથે એક છકડા રિક્ષામાં પાછળના ભાગે મગફળીની ગુણી (બાચકા) પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પરની ગોલાઈ પાસે રીક્ષા પલટી ખાઈ જતા દેવજીભાઈ નીચે પટકાઈ પડ્યા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મહેશભાઈ ખારવાએ દ્વારકા પોલીસને કરી છે.
મોખાણા ગામે બીમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ
ભાણવડ તાલુકાના મોખાણા ગામે રહેતા વેજાભાઈ હીરાભાઈ મોરી નામના 47 વર્ષના યુવાનને ડાયાબિટીસ તેમજ ડાયાલિસીસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ બાલુભાઈ મોરીએ ભાણવડ પોલીસને કરી છે. કાર અકસ્માતની પહેલી મેટરના ફોટા આ સાથે સામેલ છે.