સરદાર જયંતિએ કેજરીવાલની રાજ્ય લેવલની કિસાન મહાપંચાયત
બોટાદના હડદડ ગામે ખેડૂતોને કપાસના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં થયેલા તોફાન બાદ હવે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના કોઇ એક જિલ્લામાં 31 ઓકટોબરે કિસાન મહાપંચાયત કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં આપ દ્વારા રાજ્યભરમાંથી ખેડૂતોને ઉપસ્થિત રાખવા તૈયારી શરૂૂ કરાઇ છે.
આપના અનેક કાર્યકરો અને નેતાઓ સામે હડદડ ગામ મામલે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે ત્યારે આપના અગ્રણી રાજુ કરપડાએ જણાવ્યું છે કે 16 ઓક્ટોબરે અમદાવાદના આપના કાર્યાલય ખાતે તેઓ પ્રવીણ રામ સાથે ઉપવાસ શરૂૂ કરશે. પોલીસ તંત્ર તેમની સામે પગલા લઇ શકે છે તેમ કહેતા તેમણે જણાવ્યું હતું કે અમારી ધરપકડ પછી પણ આંદોલન ચાલુ રહેશે.
દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર આયોજિત કૃષિ મહોત્સવમાં હાજરી આપી હતી. વસાવાએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે સરકાર ટેકાના ભાવ નક્કી કરે છે તેમ છતાં એપીએમસીમાં ખેડૂતોને ઓછા ભાવ અપાય છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ખેડૂતોને અન્યાય કરતી કડદા પદ્ધતિનો આપ વિરોધ કરે છે પરંતુ તેની ઉપર સરકારમાંથી કોઇ જવાબદાર મંત્રી નિવેદન આપી રહ્યા નથી અને તેમનું સમર્થન થઇ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓના કહેવાથી ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કરી ટિયર ગેસના શેલ છોડ્યા હતા. સભામાં સ્થાનિક માણસો ન હતા તો પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને કેમ માર્યાન?