કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઉપર ગઈકાલે જામનગરમાં જોડુ ફેંકાયા બાદ આમ આદમી પાર્ટીમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ઠેર ઠેર નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે. તેવા સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે રવિવારથી ત્રણ દિવસ સુધી રાજકોટમાં ધામા નાખનાર હોવાનું જાણવા મળે છે.
આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલના જાહેર થયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ 7 ડિસેમ્બરે રવિવારે સાંજે 7.15 કલાકે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી રાજકોટ આવી પહોંચશે અને રાજકોટનાં રીંગ રોડ પર આવેલ ફોર્ચ્યુન પાર્ક હોટલમાં રાત્રી રોકાણ કરશે. જ્યારે તા.8 ડિસેમ્બરને સોમવારે હોટલ ફોર્ચ્યુન પાર્કમાં જ કેજરીવાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને રાત્રી રોકાણ પણ આ હોટલમાં જ કરનાર છે.
આ ઉપરાંત તા. 9 ડિસેમ્બરના રોજ સવારે 11.30 વાગ્યે કેજરીવાલ કોટડાસાંગાણી ખાતે તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનોને રૂબરૂ મળી કેજરીવાલ સાંત્વના પણ આપવા જનાર છે. ત્યાંથી પરત ફર્યા બાદ હિરાસર એરપોર્ટથી પરત દિલ્હી જવાના થશે.