શુક્રવારે લીંબડીમાં કેજરીવાલ-માનની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા નાબૂદ કરવા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે. આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.
રાજ્યમાં APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. 12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મહાપંચાયત દરમિયાન અચાનક પથ્થરો થવા લાગ્યો હતો જેમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે તેમને ન્યાય અપાવવા માટે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના ખેડૂતોને મોટી સંખ્યામાં આવવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે.
વધુમાં આપ ગુજરાત પ્રભારી ગોપાલ રાય જણાવે છે કે, આગામી 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિતે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે મળીને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોની મહાપંચાયતમાં લીમડી વિધાનસભાના સુદામડા ગામમાં થવાની છે. રાજ્યની 400 APMCમાં અત્યારે અમારું પ્રતિનિધિ મંડળ પહોંચી રહ્યું છે. ખેડૂતોની મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સંબોધિત કરશે. તેમજ ખેડૂત મહાપંચાયતમાં આગામી આંદોલનની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે.