વિદેશી છાત્રોને તમારી હોસ્ટેલમાં રાખો, મારવાડી યુનિ.ને ચેતવણી
રતનપર અને ગૌરીદડ સહિતના ગામજનો દ્વારા મેનેજમેન્ટને આવેદન પાઠવી અલ્ટીમેટમ આપ્યું, ઉગ્ર આંદોલનની ચિમકી
મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને છાસવારે આસપાસના ગામડાના લોકો સાથે બબાલ કરતા હોવાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ ગઈકાલે પોલીસ કમિશનર અને આજે મારવાડી કોલેજને આ બાબતે રજૂઆત કરી વિદેશી છાત્રોની વ્યવસ્થા મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરવા ચેતવણી આપી છે.
રતનપર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે, મારવાડી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી (આફ્રિકન) વિદ્યાર્થીઓ જે અમારા ગામમાં ભાડે મકાનો-ફ્લેટો રાખીને રહે છે. આ વિદ્યાર્થીઓ દ્વારા દૈનિક અનૈતિક પ્રવૃત્તિઓ દેહ વ્યાપાર નશાઓ કરીને ગ્રામજનો સાથે અવારનવાર માથાકુટો કરી રહ્યા છે. તેમજ સામાજીક દુષણ ફેલાવી રહ્યા છે.
આ વિદ્યાર્થીઓના કૃત્યોના લીધે અમારા ગામના મહિલાઓ-બહેનો માટે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. જેથી આ ઉપરની ગંભીર બાબતોને ધ્યાને લઈ આ વિદ્યાર્થીઓને તમારા કેમ્પસમાં રહેવા માટે વ્યવસ્થાઓ કરી આપો જેવી ગ્રામજનોને રાહત મળે.
આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં મળે તો સમગ્ર ગ્રામવાસીઓ એકઠા થઈને તમારી યુનિવર્સિટીની સામે ઉગ્ર આંદોલન કરીશું. આ રજૂઆતમાં રતનપર, ગૌવરીદળ અને આસપાસના ગામડાના લોકો જોડાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ વિદેશી છાત્રો દ્વારા રતનપર ગામના નિવૃત આર્મમેન સાથે બબાલ કરી હુમલો કરવામાં આવ્યો હતો. ફોનમાં રેકોર્ડિંગ કર્યાનો આક્ષેપ કરતા મામલો બિચક્યો હતો. આ બાબતે ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરે પણ આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા લોહીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. રાત પડેને મહેફીલો જામે છે. અને તેના કારણે આસપાસના ગ્રામ્ય લોકોને મુશ્કેલ પડી રહી છે. આ અસામાજીક પ્રવૃત્તિના કારણે બહેન-દિકરીઓને બહાર નિકળવું દુશવાર થઈ ગયું છે. જેથી ભાડે રહેતા વિદેશી છાત્રોની વ્યવસ્થા હોસ્ટેલમાં કરવા મારવાડી યુનિવર્સિટીને રજૂઆત કરી છે.
રાજકોટના વિદેશી છાત્રો બાબતે તપાસ કરવા જીજ્ઞેશ મેવાણીની માંગ
રાજકોટ શહેરની જાણીતી ખાનગી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને મારવાડી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી ખાસ કરીને આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. હાલના સમયમાં સ્થાનિક રહીશોમાંથી મળતી ચોક્કસ ફરિયાદો અનુસાર આવા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતાં કરતાં સામાજિક રીતે અસ્વીકાર્ય, અનૈતિક અને ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યુ છે. આ પ્રવૃત્તિઓને કારણે શૈક્ષિણિક સંસ્થાઓના કેમ્પસમા,શહેર તથા આસપાસના ગામડાઓમાં ગંભીર દૂષણ ફેલાઈ રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓને સાથે અનેકવાર ઘર્ષણો થવાના કિસ્સાઓ સામે આવે છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજ્યના પોલીસ વડાને પત્ર પાઠવી રજૂઆત કરી છે.