કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો
મારી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા, આ દીકરીને મેં આખુ વર્ષ ભણાવી છે: શિક્ષિકા
શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિતલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો કોઈ વસ્તુ વડે મુંઢ ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યાં છે.આ ઘટના શંકાસ્પદ હોય એસીપી તપાસ ચલાવી રહ્યા છે.
વધુ વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં રહેતા યુવાનની ચાર વર્ષની માસુમ દીકરીનું ગત વર્ષ જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂૂ કરાવ્યો હતો. દરમિયાન ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે પોતાના માતાને જણાવ્યું હતું કે, મને ગુપ્તાંગની જગ્યાએ દુખે છે. જેથી ગરમીના કારણે બળતરા થતી હશે, તેમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.
બીજા દિવસે ફરી સ્કૂલેથી આવી બાળકીએ ખૂબ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી, જેથી માતાએ નીરખીને જોતા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો.કૈક અજુગતું થયું છે તેવો વ્હેમ જતા માતાએ તુરંત બાળકીના પિતાને જાણ કરી અને દંપતી નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતાં. અહીં ડોક્ટરે તપાસતા બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી હતી.બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મુક્યો હતો.ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા છેલ્લા બે દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે એમએલસી
જાહેર કરતા મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો.જે બાદ પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂૂ કરી હતી.
જ્યારે સમગ્ર મામલે શિક્ષિકા મિત્તલબેને જણાવ્યું હતું કે, મારી ઉપર લગાવવામાં આવેલ આક્ષેપ ખોટો છે.
આખું વર્ષ મેં આ દીકરીને ભણાવી છે. એક શબ્દ આ દીકરી બોલતી નથી. વાલી દ્વારા આવડો મોટો ખોટો આક્ષેપ ન કરવો જોઈએ. દીકરી સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો તે અંગે પણ વાલીએ તપાસ કરવી જોઈએ. મારો ઈગો હર્ટ થયો છે, આવું ન થવું જોઈએ. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવેલ છે જે સાબિત કરી શક્યા નથી. આ આક્ષેપ તદ્દન ખોટા છે.આ મામલે પ્ર. નગર પોલીસના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદમાં એટ્રોસીટીની કલમ હોય એસીપી પટેલ તપાસ ચલાવી રહ્યા છે.
ચાર વર્ષથી આ શિક્ષિકા અમારી સ્કૂલમાં છે,તેઓ બધા બાળકોને સંતાનની જેમ રાખે છે:પ્રિન્સિપાલ
આ ઘટના મામલે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરીયાએ જણાવ્યું હતું કે, વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ રહ્યા છે તે તદ્દન ખોટા છે. આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી. અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે, તેમાં પણ આવું કશું થયું હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી. અમારા મહિલા શિક્ષક મિત્તલબેન ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ આક્ષેપ ખોટા છે. ચાર વર્ષથી આ શિક્ષક અમારી સ્કૂલમાં છે. તેઓ બધા બાળકોને તેમના સંતાનની જેમ જ રાખે છે.

રેલનગરમા આવેલી કર્ણાવતિ ઇન્ટરનેશનલ સ્કૂલમા ચાર વર્ષની બાળકી સાથે શિક્ષિકા દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતા શહેરભરમાં હોબાળો થતા બાળકીને ન્યાય અપાવવા માટે શહેરનાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા આજે સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેમાં ઉગ્ર સુત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરતા ઘર્ષણ થયુ હતુ અને છાત્ર નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. (ફોટો મુકેશ રાઠોડ)