કલ્યાણપુરની મહિલાનું ચક્કર આવ્યા બાદ મોત
દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા આશાબેન દિનેશભાઈ રોશિયા નામના 21 વર્ષના મહિલા સોમવારે સાંજના સમયે તેમના ઘરે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને એકાએક ઉલટી અને ઉબકા ઉપડ્યા બાદ ચક્કર આવતા બેભાન અવસ્થામાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ દિનેશભાઈ રામાભાઈ રોશિયાએ દ્વારકા પોલીસને કરી છે.
એસિડ પી લેતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ દુધરેજીયા નામના 30 વર્ષના બાબાજી યુવાને ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ જગદીશભાઈ પરસોતમભાઈ દુધરેજીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
અજાણ્યા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા શહેર નજીકના જામનગર રેલ્વે ટ્રેક પાસેથી આશરે 30 વર્ષના અજાણ્યા યુવાન કોઈ કારણોસર ઈજાગ્રસ્ત બનતા તેમને ખંભાળિયા બાદ જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.