મેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયું
રાજકોટની સરકારી મેડીકલ કોલેજનાં 300 થી વધારે તાલિમી તબીબો (રેસીડેન્સ ડોકટરો)નું જૂન મહિનાનું માસિક સ્ટાઈપેન્ડ ન મળતાં નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તબીબોમાં ભારે નારાજગી પ્રર્વતી રહી છે અને તાત્કાલીક સ્ટાઈપેન્ડ ચુકવવાની માંગ સાથે રેસીડેન્ટ તબીબો દ્વારા હલ્લાબોલ મચાવ્યો હતો અને જો સ્ટાઈપેન્ડ નહીં ચુકવાઈ તો હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે મેડીકલ કોલેજના ડીન દ્વારા ગ્રાંટ બીજે વપરાઈ ગયાનું ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, પંડીત દીનદયાલ ઉપાધ્યાય મેડીકલ કોલેજમાં રેસીડેન્ટ તબીબોને દર મહિને સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. આ સ્ટાઈપેન્ડ તબીબોની દૈનિક જરૂરીયાતો પુરી કરવા અને અભ્યાસના ખર્ચાઓને પુરા કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જો કે આ વખતે જૂન મહિનાનું સ્ટાઈપેન્ડ જુલાઈ મહિનાના 22 દિવસ વિતી જવા છતાં હજુ સુધી ચુકવાયું નથી. જેથી તબીબોમાં ભારે રોષ પ્રર્વતી રહ્યો છે. સ્ટાઈપેન્ડ ન ચુકવાતા તબીબોને આર્થિક મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ઘણા તબીબો પરિવારથી દૂર રહીને અભ્યાસ કરતાં હોવાથી સ્ટાઈપેન્ડ ન મળતાં તેમને આર્થિક સંકળામણ વધુ વકરી છે.
નેશનલ મેડીકલ કાઉન્સીલના નિયમ મુજબ તાલિમી તબીબોને 1 થી 5 તારીખ સુધીમાં સ્ટાઈપેન્ડ ચુકવી દેવાનું જણાવાયું હોવા છતાં મેડીકલ કોલેજનાં વહીવટી તંત્રની ઢીલી નીતિના કારણે હજુ સુધી સ્ટાઈપેન્ડ ચુકવાયું નથી. અગાઉ પણ બે થી ત્રણ વખત આ રીતે સ્ટાઈપેન્ડ મોડુ ચુકવાયું હતું. રેસીડેન્ટ તબીબો દ્વારા જણાવાયું કે આ અંગે આજે સાંજે મેડીકલ કોલેજનાં ડીનને રજૂઆત કરવામાં આવશે અને જો તાત્કાલીક સ્ટાઈપેન્ડ ચુકવવામાં નહીં આવે તો હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ મામલે મેડીકલ કોલેજનાં ડીનનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવેલું કે સરકાર તરફથી ગ્રાંટ મળી હતી. પરંતુ આ ગ્રાંટ વપરાઈ ગઈ હોવાથી પગાર ચુકવાયો ન હોવાનો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. રેસીડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડ ચુકવવામાં દર વખતે વહીવટી તંત્ર ઠાગાઠૈયા કરતું હોવાથી રેસીડેન્ટ તબીબોને આર્થિક હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે આ સ્ટાઈપેન્ડની રકમ કયા વપરાઈ ગઈ ? તે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી બની રહી છે.